અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા આગામી તા.રપ થી ૩૧ ડિસેમ્બર, ર૦૧૮ સુધી યોજાનારા અગિયારમા કાંકરિયા કાર્નિવલની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ માટે વિભિન્ન પ્રકારની કામગીરી માટે નાના-મોટા મળીને કુલ પ૦થી વધુ અધિકારીઓને ફરજ સોંપાઇ છે. ગત વર્ષે કાંકરિયા કાર્નિવલમાં હેરિટેજ થીમ રખાઇ હતી, પરંતુ આ વખતે ગાંધી થીમ પર કાર્નિવલની દબદબાભેર ઉજવણી કરાશે. જ્યારે અન્ય સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો રાબેતા મુજબના યોજાશે. આમ તો કાંકરિયા લેકફ્રન્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયા બાદ તે શહેર, રાજ્ય ઉપરાંત રાજ્ય બહારના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમાં પણ કાંકરિયા કાર્નિવલ હવે જાણે લોકોત્સવ બન્યો હોઇ તેની સમગ્ર વર્ષ દરમ્યાન શહેરીજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે.
કાર્નિવલ વખતે એન્ટ્રી મફત હોઇ સામાન્ય દિવસોમાં ચારથી પાંચ લાખ અને શનિ-રવિની રજાના દિવસોમાં પાંચથી છ લાખ સહેલાણીઓ સહિત અંદાજે રપ લાખથી વધુ સહેલાણીઓ કાર્નિવલનો લહાવો લે છે. ગત વર્ષે કાર્નિવલનો દશાબ્દી મહોત્સવ દબદબાભેર ઊજવાયો હતો. તે વખતે યુનેસ્કો દ્વારા શહેરને દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કરાતાં તંત્ર દ્વારા હેરિટેજ થીમ પર કાર્નિવલની ઉજવણી કરાઇ હતી. આ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આગામી તા.ર ઓક્ટોબર, ર૦૧૯એ આવનારી ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે ગાંધીથીમ પર કાર્નિવલની ઉજવણી કરાશે. કાંકરિયા લેકફ્રન્ટના પુષ્પકુંજ ખાતેના ગેટ નંબર-એકનું મુખ્ય પ્રવેશદ્વાર, નગીનાવાડીનો ગેટ નંબર-બે, બાલવાટિકાનો ગેટ નંબર-પાંચ એમ ત્રણ પ્રવેશ દ્વારને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં કટઆઉટ સાથે મનમોહક બનાવાશે.
જ્યારે નગીનાવાડી, બાલવાટિકાના ગેટ ઉપરાંત વ્યાયામશાળાના ગેટ નંબર-ત્રણ, દેડકી ગાર્ડનના ગેટ નંબર-છ એમ કુલ પાંચ ગેટની અંદરના પરિસરમાં યોગ્ય સ્થળે મહાત્મા ગાંધીના સાત ફૂટના કટઆઉટ ધરાવતા કુલ પાંચ સેલ્ફી પોઇન્ટ પણ મુકાશે. જ્યાં આબાલવૃદ્ધો ગાંધીજીના કટઆઉટ સાથે સેલ્ફી લઇને કાર્નિવલની મુલાકાતને વધુ યાદગાર બનાવશે. આ ઉપરાંત કાર્નિવલ દરમ્યાન ગાંધીજી અને સરદાર પટેલના લાઇવ કેરેકટર્સ પણ બાળકોને આકર્ષશે. નગીનાવાડી પાસે ગાંધીજીના જીવનદર્શનને લગતું પ્રદર્શન પણ સહેલાણીઓ માટે મુકાશે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને હેરિટેજ અમદાવાદની તસવીરની ઝલક પણ સહેલાણીઓ લઇ શકશે.