છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક પછી એક મહાકાય કૌભાંડો બહાર આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકનું કૌંભાડ હજી તાજું છે ત્યાં નવું એક બેંક કૌભાંડ બહાર આવ્યું છે. સૂત્રોની મળતી માહિતી મુજબ એસબીઆઈએ સીબીઆઈને ફરિયાદ કરી છે કે, અમારા સહિત ૧૪ બેંક સાથે કનિષ્ક જ્વેલર્સે રૂ. ૮૨૪ કરોડની છેતરપિંડી કરી છે, જે વ્યાજ સાથે રૂ.૧૦૦૦ કરોડ સુધી થવા જાય છે.
એસબીઆઈએ ચેન્નાઈ સ્થિત કનિષ્ક ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના માલિક ભૂપેશકુમાર જૈન અને તેમના પત્ની નીતા જૈન વિરુદ્ધ સીબીઆઈને પત્ર લખીને તપાસની માંગ કરતા કહ્યું છે કે, આ કંપની અમારી પાસે જંગી લોન લઇને ચૂકવી નથી રહી. આ દંપતિ કૌભાંડ આચરીને મોરેશિયસ ભાગી ગયું હોવાની અમને શંકા છે. જોકે, સીબીઆઈએ આ મુદ્દે હજુ સુધી એફઆઈઆર નોંધી નહીં હોવાના અહેવાલ છે.
કનિષ્ક જવેલર્સ નામની આ કંપનીએ ૨૦૦૭થી લોન લેવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી કંપનીએ તેની ક્રેડિટ મર્યાદા પણ વધારી લીધી હતી. લીધેલ લોનની વ્યાજ સાથેની રૂ. ૧૦૦૦ કરોડની રકમની વસૂલાત બાકી છે. કનિષ્ક જ્વેલર્સના માલિકોએ ખોટા રેકોર્ડ્સ બતાવીને લોન લીધી હતી અને પછી રાતોરાત કંપનીની ઓફિસો, શૉ રૃમ બંધ કરીને રફુચક્કર થઇ ગયા હતા. કનિષ્ક જ્વેલર્સે એકસાથે ૧૪ બેંકને લોન ચૂકવવાનું બંધ કરી દેતા ૧૧મી નવેમ્બર, ૨૦૧૭ના રોજ એસબીઆઈએ સૌથી પહેલાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. એસબીઆઈએ કહ્યું હતું કે, સૌથી પહેલાં કનિષ્ક જ્વેલર્સ આઠ બેંક સામે ડિફોલ્ટ જાહેર થઈ હતી.
પાંચમી એપ્રિલ, ૨૦૧૭ના રોજ બેંક ઓડિટ શરૂ થતાં જ કનિષ્ક જ્વેલર્સના કર્તાહર્તાઓએ બેંક અધિકારીઓ સાથેનો સંપર્ક તોડી નાંખ્યો હતો. ત્યાર પછી ૨૫મી મે, ૨૦૧૭ના રોજ બેંક અધિકારીઓએ કનિષ્ક જ્વેલર્સની કોર્પોરેટ ઓફિસ, ફેક્ટરી અને શૉ રૂમની મુલાકાત લીધી હતી, પરંતુ ત્યાં પણ શટર પડી ગયા હતા. ત્યાર પછી બેંક અધિકારીઓએ અન્ય શૉ રૂમની પણ મુલાકાત લીધી હતી, પરંતુ તાળા જોવા મળ્યા હતા.