ભોપાલ : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સારી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના મુસ્લિમોના ધ્રુવીકરણના પ્રયાસ અંગેના એક વિડિયોથી કોંગ્રેસની હાલત ફરી ખરાબ થઇ છે. કમલનાથ વિડિયો લીક થયા બાદ આની ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. મતદાનથી સપ્તાહ પહેલા સોશિયલ મિડિયામાં ફરી રહેલા આ વિડિયોથી કોંગ્રેસ બેકફુટ પર છે. ભાજપને નવો મુદ્દો મળી ગયો છે.
આ વિડિયો કોંગ્રેસના વોરરુમનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કોઇને પણ પ્રવેશ કરવાની મંજુરી મળી શકતી નથી. આખરે વિડિયો બનાવનાર કોણ છે તેને લઇને ચર્ચા છેડાઈ છે. વિડિયોમાં કમલનાથ મુસ્લિમોને ૯૦ ટકા મત આપવા અપીલ કરી રહ્યા છે જેમાં તેઓ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, મુસ્લિમ બહુમત પોલિંગ બુથ ઉપર ૯૦ ટકા મતદાન થવું જોઇએ જો આવું નહીં થાય તો કોંગ્રેસને નુકસાન થશે. આરએસએસને ચૂંટણી બાદ જાઈ લેવામાં આવશે તેમ પણ કહેતા દેખાઈ રહ્યા છે.