અમદાવાદ : શહેરના કાલુપુર વિસ્તારમાં વેપારીઓ અને ટ્રકચાલકોને રોકીને રોજ રૂપિયા અને વસ્તુઓ પડાવી લેનાર એક માથાભારે શખ્સથી કંટાળીને વેપારીઓએ તેને ઢોર માર માર્યો હતો અને સારી પેઠે મેથીપાક ચખાડયો હતો. વેપારીઓએ એટલી હદ સુધી આ શખ્સને માર્યો હતો કે, તે લોહીલુહાણ થઇ ગયો હતો. જેનો એક વીડિયો પણ વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ શખ્સ રોજ વહેલી સવારે આવતી ટ્રકના ચાલકોને રોકીને તેમજ આસાપાસના વેપારીઓને છરી બતાવી ધમકી આપતો હતો. જેને પગલે આ શખ્સથી કંટાળેલા લોકોએ ભેગા થઇને તેને ઢોર માર માર્યો હતો. જોકે આ શખ્સ અંગે હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ થઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ નથી. અમદાવાદના કાલુપુર સર્કલથી ફ્રુટ બજાર પાસેથી પસાર થતા માર્ગ પર વહેલી સવારે અને મોડી રાત્રે ફ્રુટની ટ્રક આવે છે. તેમજ કેટલાક મજુરો ત્યાં ટ્રકમાં કે આસાપાસ ઉંઘી જતા હોય છે.
આ તમામ લોકોને રોજ એકલા જોઇને એક શખ્સ તેને ધમકાવીને કે છરી બતાવીને તેમની પાસેથી ફ્રુટ, વસ્તુઓ કે રુપિયા પડાવી લેતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો જુમ્માદીન નામના આ શખ્સથી કંટાળી ગયા હતા. પરંતુ કોઇ તેની સામે ફરિયાદ કરતું ન હતું. થોડા દિવસ પહેલા જુમ્માદીન એક સ્થાનિક વેપારીને ધમકી આપતા કંટાળી ગયેલા વેપારીએ કાયદો હાથમાં લઈ તેને માર માર્યો હતો અને થોડી જ વારમાં સંખ્યાબંધ વેપારીઓ ત્યાં ભેગા થઇ ગયા હતા.
આ તમામ વેપારીઓએ તેને ઢોર માર માર્યો હતો. આ વેપારીઓએ જુમ્માદીનને એટલી હદે માર્યો કે તેના કપડાં ફાટી ગયા અને લોહી-લુહાણ થઇ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, એ પણ વાસ્તવિકતા છે કે, આ વિસ્તારમાં માથાભારે અને હપ્તા ઉઘરાવતા શખ્સોની રંજાડગતિથી ત્રસ્ત થઇ તાજેતરમાં જ કાલુપુર ફ્રુટ માર્કેટ સહિતના સ્થાનિક વેપારીઓએ ધંધો-રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ પોલીસે તરફથી માથાભારે શખ્સો વિરૂદ્ધ કોઇ પગલા નહી લેવાતાં આખરે વેપારીઓએ કાયદો હાથમાં લીધો હતો.