અમદાવાદ : અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મ નંબર ૨ ઉપર યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર ૨ ઉપર છતને લઇને રિપેરિંગ કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં છત નહીં હોવાના લીધે લાખોની સંખ્યામાં યાત્રીઓને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ઉપર તીવ્ર ગરમી વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને મોટી વયના લોકોને વધારે મુશ્કેલી નડી રહી છે. યાત્રીઓ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ટ્રેનની રાહ જાઈ રહ્યા છે. કેટલાક યાત્રીઓ અસ્વસ્થ પણ અનુભવ કરી રહ્યા છે.
રેલવે સ્ટેશન ઉપર હાલમાં ઘણી જગ્યાઓએ કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરીના લીધે રેલવે યાત્રીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વહેલીતકે રેલવે સ્ટેશન ઉપર શેડની કામગીરીને પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે બીજી બાજુ શેડની વ્યવસ્થા નથી. સાથે સાથે પ્લેટફોર્મ નંબર ૨ ઉપર અને અન્યત્ર પ્લેટફોર્મ પર પીવાના પાણીને લઇને પણ યાત્રીઓ ફરિયાદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મ ઉપર જાળવણીની જવાબદારી સંભાળનાર અને રેલવેને પણ તરત જ ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. પ્લેટફોર્મ નંબર ૨ ઉપર લાંબા અંતરની ટ્રેનો પહોંચે છે.
દરરોજ મોટી સંખ્યામાં યાત્રીઓની અવર જવર જોવા મળે છે. આવી સ્થિતિમાં વહેલીતકે શેડની કામગીરી પૂર્ણ કરવાની સાથે સાથે પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂર છે. ઉપરાંત ટ્રેનોના સમયને પણ વધુ ચોક્કસ કરવાની સ્થિતિમાં યાત્રીઓને ઓછી રાહ જાવાની ફરજ પડી શકે છે.