અમદાવાદ : આજે કાળી ચૌદશને લઇ રાજયભરના હનુમાનજી અને મહાકાળી મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે કાળી ચૌદશના દિવસે શ્રધ્ધાળુ ભકતો દ્વારા ડભોડિયા દાદાને એક હજાર તેલના ડબાથી ભવ્ય અભિષેક કરાયો હતો. ગઇકાલે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ એટલે તરત જ ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. કાળીચૌદશની દાદાની આરતીનું અનન્ય મહાત્મ્ય અને ચમત્કાર હોઇ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ડભોડિયા હનુમાનજી ખાતે ઉમટયા હતા.
આ જ પ્રકારે સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ મંદિર, મેમનગર સુભાષચોક ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિર સહિતના હનુમાનજી મંદિરોમાં પણ આજે કાળીચૌદશ નિમિતે સમૂહયજ્ઞ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજે કષ્ટભંજન દેવની પ્રસાદીની લાકડીનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો કે જેનું ખૂબ મહાત્મ્ય છે. મહુડી ખાતે પણ શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાનનો અદ્ભુત હોમ-હવન યોજાયો હતો. કાળીચૌદશના આજના દિને મહુડી સહિત રાજયભરના હનુમાનજી મંદિરો અને મહાકાળી માતાજીના મંદિરોમાં મોડી રાત સુધી ભકતો દર્શન માટે પડાપડી કરી હતી.ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ચમત્કારિક અને એક હજાર વર્ષથી પણ વધુ પૌરાણિક એવા ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે ધનતેરસના પવિત્ર દિવસથી મેળાની શરૂઆત થઇ ગઇ હતી, જે કાળીચૌદશની રાત્રે ૧૨ વાગ્યે પૂર્ણ થયો હતો.
આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ ભાગ લીધો હતો. ગઇ રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ કે તરત જ ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. ધનતેરસની રાત્રે થતી કાળીચૌદશની દાદાની થતી આ મહાઆરતીનું અનેરૂ મહાત્મ્ય હોઇ તેમાં લાખો શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. તો, આજે કાળી ચૌદશના દિવસે શ્રધ્ધાળુ ભકતો દ્વારા ડભોડિયા દાદાને પાંચ હજાર કિલો તેલનો ભવ્ય અભિષેક કરાયો હતો. મોડી રાત સુધી દાદાના દર્શન માટે શ્રધ્ધાળુ ભકતોએ પડાપડી કરી હતી.
આ જ પ્રકારે સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ ખાતે પણ આજે કાળીચૌદશ નિમિતે વહેલી સવારે પાંચ વાગ્યે દાદાની ભવ્ય આરતી, સવારે ૭-૦૦ વાગ્યે સમૂહ યજ્ઞ પૂજન, ૯-૦૦ વાગ્યે દાદાની પ્રસાદીની લાકડીનો ભવ્ય અભિષેક અને ૧૧-૩૦ વાગ્યે દાદાનો છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ યોજાયો હતો. તો શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે કાળીચૌદશન નિમિતે દાદાની ત્રણ આરતીઓ ઉતારવામાં આવી હતી, જેમાં સવારે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે બીજી આરતી અને રાત્રે ૧૨-૦૦ વાગ્યે દાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. સાથે સાથે આજે સવારે ૮થી ૧૦ દરમ્યાન સામૂહિક હનુમાનચાલીસા અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાનો અનોખા મહિમા ધરાવતા હોમ-હવન કરાયો હતો. રાજયના વિવિધ મહાકાળી મંદિરોમાં પણ લાખો શ્રધ્ધાળુ ભકતોનું દર્શનાર્થે ઘોડાપૂર ઉમટયુ હતું.