અમદાવાદ : દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવતીકાલે તા.૨૩-૧૨-૨૦૧૮થી તા.૨૯-૧૨-૨૦૧૮ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા કથાની પૂર્વ સંધ્યાએ આજે ૧૨૦૦થી વધુ મહિલાઓ પારંપરિક વેશમાં ત્રણ કિલોમીટર લાંબી કળશયાત્રા કાઢવામાં આવી હતી, અમદાવાદની સૌથી મોટી એવી આ કળશ યાત્રાએ લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો કળશ યાત્રા જાવા અને ભાગવત કથાના સ્થળે ઉમટયા હતા, જેને લઇ ભકિતનો માહોલ છવાયો હતો. દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાનના સંસ્થાપક અને સંચાલક પરમ પૂજનીય ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીની શિષ્યા દર્શિતાભારતીજીએ જણાવ્યું હતું કે, સંસ્થાન દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.
સાથે સાથે અનેક કથાઓનુ પણ આયોજન કરવામાં આવે છે. આ જ શ્રુંખલામાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા એક સપ્ત દિવસીય (તા.૨૩/૧૨/૨૦૧૮ થી તા.૨૯/૧૨/૨૦૧૮ સુધી) શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર, નારણપુરા વિસ્તાર ખાતે કરવામાં આવી રહ્યુ છે. જેનુ વિશેષ પ્રસારણ સંસ્કાર ચેનલ ઉપર તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી પ્રસારિત કરવામાં આવશે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાનના ગાયોના સંવર્ધન અને સંરક્ષણ હેતુ ચલાવવામાં આવતા પ્રકલ્પ “કામધેનુ”ની સહાયતા કરવાનો છે. આ કથાના ભાગરૂપે આજે તા.૨૨મી ડિસેમ્બર ના રોજ ૧૨૦૦ મહિલાઓ દ્વારા ત્રણ કિ.મી.ની ભવ્ય અને પવિત્ર કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ વિશાળ કળશ યાત્રા કથા-સ્થળ, શાસ્ત્રીનગર શોપિંગ સેંટર ગ્રાઉંડ, પ્રગતિ નગર બીઆરટીએસ બસ-સ્ટેન્ડની પાસે, નારણપુરા વિસ્તારના જુદા-જુદા ક્ષેત્રોમાંથી પસાર થતી થતી કથા-સ્થળે પહોંચી હતી.
કળશયાત્રાનો શુભારંભ સુશ્રી સોનલબેન જોશી (સામાજીક કાર્યકર્તા તેમજ હાઇકોર્ટ વકીલ), શ્રી દિલિપભાઈ પબાણી (સંઘચાલક, નારણપુરા), શ્રી વજુભાઇ વઘાસિયા (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, લઘુઉદ્યોગ ભારતી, આર.એસ.એસ.), શ્રીમતી પુશ્પા બિંદલ (ઉદ્યોગપતિ, ચિડિપાલ ઇન્ડસ્ટ્રીઝ લિ.) તેમજ જ્યોતિપ્રસાદ ચિડિપાલે (ઉદ્યોગપતિ, ચિડિપાલ ઇન્ડસ્ટ્રીઝ લિ.) ઝંડો ફરકાવીને કર્યો હતો. કળશ માનવ દેહનુ અને તેમાં રહેલ જળ ગંગાજળનુ પ્રતીક છે. આ જ આત્મિક ચેતનાનો જીવન સાર છે. કળશયાત્રા આહ્વાન છે કે દરેક જીવ એ પરમ કલ્યાણકારી સત્તાને જાણે કે જે શક્ય છે આ ભાગવત કથાના શ્રવણથી. કળશયાત્રા પ્રેરિત કરે છે એ ઈશ્વરની પ્રાપ્તિ તરફ આગળ વધવાની કે જેને પ્રાપ્ત કરીને જ જીવનમાં શાશ્વત શાંતિ સંભવ છે. બહેનોએ કળશયાત્રા દ્વારા બધાં જ સ્થાનિક રહેવાસીઓને આગ્રહ કર્યો કે તેઓ કથામાં સપરિવાર આવીને ઈશ્વરની શાશ્વત ભક્તિ તરફ અગ્રેસર થાય. અમદાવાની આ સૌથી મોટી કળશયાત્રાની શોભા ખૂબ જ અનોખી હતી જેને જોઈને નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો કળશ યાત્રા જાવા ઉમટયા હતા.