ઈબ્રાહિમની ડેબ્યૂ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ નજર આવશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અભિનેત્રી કાજોલ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર સાથે વધુ એક ફિલ્મ કરી રહી છે તે વાત વહેતી થતાં જ તેમના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. થોડા સમય પહેલા સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ ખાનને કરણ લોન્ચ કરી રહ્યો છે તે વાત સામે આવ્યા બાદ, તે ફિલ્મમાં કાજોલ અને સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર પૃથ્વીરાજને પણ સમાવ્યા હોવાના મીડિયા અહેવાલ સામે આવી રહ્યા છે અને કરણે ફિલ્મના નિર્દેશનની જવાબદારી કેયોઝ ઈરાનીને સોંપી છે. કરણે આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કર્યું નથી, પરંતુ આ ફિલ્મ ઈમોશનલ થ્રિલર હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેની વાર્તા કાશ્મીરમાં ચાલતી આતંકી પ્રવૃત્તિની આસપાની હશે. કાજોલ ઈબ્રાહિમના પિતા સૈફ સાથે અગાઉ અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. જેમાં ‘દિલ્લગી’, ‘હમેશા’, ‘તાન્હાજી’ સામેલ છે. ઈબ્રાહિમ અત્યારે તેના ડેબ્યૂને સફળ બનાવવા માટે કમર કસી રહ્યો છે અને જીમમાં પરસેવો પાડવાની સાથે એક્ટિંગ વર્કશોપમાં જઈ રહ્યો છે.

ડેબ્યૂ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ જેવા સુપર સ્ટાર્સનો સાથ મળવાના કારણે ઈબ્રાહિમ ઉત્સાહિત છે. કાજોલ અને કરણ જોહરની મિત્રતા ઘણી જૂની છે અને તે વિશે તેઓ અનેક ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે. કરણે બનાવેલી ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મોમાં કાજોલ નજર આવી ચૂકી છે અને આ બધી જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. કરણ કાજોલને લકી ચાર્મ પણ માને છે અને તે કારણે ફિલ્મ ‘કલ હો ના હો’ના એક સોન્ગમાં પણ કાજોલે કેમિયો કર્યો હતો. થોડા સમય પહેલાં બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર વહેતાં થયા હતા, પરંતુ મન દુઃખ ભૂલીને બંનેએ ફ્રેન્ડશીપને આગળ વધારવાનું નક્કી કર્યું હતું અને હવે, કાજોલે કરણની આગામી ફિલ્મ કરવા માટે પણ હામી ભરી છે.

Share This Article