જૂનાગઢ: જુનાગઢ જિલ્લના નાનકડા ગામના એક ધ્રૂજાવી નાખી એવી ઘટના સામે આવી છે. વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે સગીર વયના ભાઈએ જ મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને બન્નેના મૃતદેહને દાટી દીધા હતા. પોલીસે આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. હત્યાની આ કહાની કોઈ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવી છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવા શોભાવડલા ગામે ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતા, મૃતક મોટો પુત્ર શિવમગીરી (ઉં.વ. 22), તેની મૃતક પત્ની કંચન કુમારી (ઉં.વ. 19), અને એક સગીર દીકરો હતા. મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. દારૂની લત ધરાવતો સગીર દીકરો અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ જ ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ રચ્યો.
આશરે બાર દિવસ પહેલા, જ્યારે માતા વિભાબેન બહાર ગયા હતા ત્યારે સવારના સમયે જ્યારે શિવમ સૂતો હતો ત્યારે સગીર ભાઈએ તેના માથામાં લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી નાંખી. આ સમગ્ર ઘટના સગીરની ભાભી જોઈ જતા ભાભી કોઈને કહી જશે તેવા ડરથી તેની ભાભીની પણ કરપીણ હત્યા કરી હતી. ત્યારબાદ સગીરે ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ એક વાડામાં ઊંડો ખાડો કરી દાટી દીધા હતા.
ગુનાને અંજામ આપ્યાના લગભગ 6 દિવસ પછી, એટલે કે 21 ઓક્ટોબરે, હત્યારા સગીર અને તેની માતાએ મૃતક પુત્રવધૂના પિતાને ફોન કર્યો હતો. તેઓએ જુઠ્ઠું બોલ્યું કે, “તમારા દીકરી-જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. અકસ્માત ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે.” પરંતુ, આ વાત મૃતક મહિલાના પરિવારજનોના ગળે ન ઉતરી. મૃતક કંચન કુમારીના ભાઈ લલન કુમારે જણાવ્યું કે, અમે અકસ્માતના ફોટા માંગ્યા, ત્યારે તેઓ આડા અવળી વાતો કરવા લાગ્યા અને અન્ય અકસ્માતના ફોટા મોકલ્યા, જેનાથી અમને શંકા ગઈ હતી. આ શંકાને આધારે લલન કુમારે તેના બીજા બનેવી સાથે મળીને વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ગુમ થયેલા દંપતીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી.
કંચન કુમારીના પરિવારે વિસાવદર પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા ગુમસુદાની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસનો દોર સીધો ખોડીયાર આશ્રમ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. વિસાવદરના ASP રોહિત ડાંગર, પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સગીર આરોપીને સાથે રાખી ઘટનાસ્થળ પર ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દ્રશ્યો ભલભલાના રૂંવાડા ઊભા કરી દે તેવા હતા. પોલીસે રૂમમાં ખોદકામ કરી દટાયેલા દંપતી શિવમગીરી અને કંચન કુમારીના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતક મહિલા સાત મહિનાના ગર્ભવતી હોવાથી, દંપતી અને એક શિશુ સહિત ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.
ASP રોહિત ડાંગરે જણાવ્યું કે, ગુમ થયેલા દંપતીના મૃતદેહો તેમના જ ઘરમાંથી દટાયેલા મળી આવ્યા છે. મૃતક મહિલાને છ મહિનાનું ભ્રૂણ પણ મૃત હાલતમાં હતું. પોલીસે કોહવાયેલી હાલતમાં કઢાયેલા દંપતીના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે. તેમજ પોલીસે હાલ સગીર આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આમ નાના એવા ગામમાં ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર આપે તેવી ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચ્યો છે. પોલીસે મૃતકના સગા નાનાભાઈની અટકાયત કરીને આ કેસમાં હજુ કોણ કોણ સંડોવાયેલું છે અને કોણે કોણે મદદ કરી છે તેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
