છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકારનું પહેલા ગળું દબાવી દેવામાં આવ્યું. પછી માથા પર કુહાડી મારવામાં આવી. આ હુમલાથી મુકેશના માથા ઉપર અઢી ઈંચનો ખાડો થઈ ગયો. હત્યા પછી મુકેશના મૃતદેહને બેડમિન્ટન કોર્ટ કેમ્પસમાં બનેલાં સેપ્ટિક ટેંકમાં ફેંકી દીધો અને ટેંકને 4 ઈંચ કોંક્રીટથી પેક કરી દેવામાં આવ્યો.
બીજાપુરમાં થયેલી આ હત્યા બાદ પત્રકારોમાં આક્રોશ છે. તેમણે બીજાપુર નેશનલ હાઈવ-63ને 2 કલાકથી બ્લોક કરી દીધો છે. ત્યાં જ, પોલીસે આ મામલે 3 ઓરાપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 3 આરોપીની અટકાયત કરી છે. સંબંધી સુરેશ ચંદ્રાકાર પણ શંકાના દાયરામાં છે.
વાસ્તવમાં, મુકેશ ચંદ્રાકાર 1 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 7 વાગ્યાથી ઘરેથી ગુમ થઈ ગયા હતા. બીજા દિવસે 2 જાન્યુઆરીએ તેના ભાઈ યુકેશ ચંદ્રાકારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ સતત મુકેશનો ફોન ટ્રેસ કરી રહી હતી. ફોન સ્વીચ ઓફ હોવાથી છેલ્લું લોકેશન ઘરની આસપાસ જ હોવાનું દર્શાવાયું હતું. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં મુકેશ છેલ્લે ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. સાથે-સાથે પત્રકારોએ પણ અલગ-અલગ સ્થળોની શોધખોળ કરી હતી. જીમેલ લોકેશન દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેમાં મુકેશનું છેલ્લું લોકેશન બીજાપુર જિલ્લા મુખ્યાલયના ચટ્ટનપાડામાં હોવાનું જાણવા મળ્યું હતું. અહીં મુકેશના સંબંધી (ભાઈ) અને કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકાર, રિતેશ ચંદ્રાકરાનું બેડમિન્ટન કોર્ટ સંકુલ આવેલું છે. મુકેશના સાચા ભાઈ યુકેશ અને અન્ય પત્રકારોએ બીજાપુર જિલ્લાના એસપી જિતેન્દ્ર યાદવ અને બસ્તરના આઈજી સુંદરરાજ પીને આ માહિતી આપી હતી. પોલીસની ટીમ પણ તે વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારોની નજર સેપ્ટિક ટેન્ક પર ગઈ હતી. ટાંકી પર કોંક્રિટનો જાડો સ્લેબ મુકવામાં આવ્યો હતો, પરંતુ તેમાં એક પણ ચેમ્બર મૂકવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે, સફાઈ માટે ટાંકીના એક ભાગમાં એક ચેમ્બર બનાવવામાં આવે છે. અહીં, જ્યારે ટાંકી સંપૂર્ણ રીતે ભરેલી જોવા મળી ત્યારે શંકા હતી.
પોલીસને ટાંકી તોડવાની માગ કરવામાં આવી હતી. ટાંકી તૂટતાં જ મુકેશની લાશ પાણીમાંથી મળી આવી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકાર અને સુરેશના ભાઈ રિતેશ ચંદ્રાકાર હત્યા કેસમાં પોલીસની શંકાના દાયરામાં છે. થોડા દિવસો પહેલા મુકેશે લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે બનવાના રસ્તાની ખરાબ હાલતના સમાચાર આપ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામ સુરેશ ચંદ્રાકારે કર્યું હતું, ત્યારબાદ તેમની વચ્ચે થોડો વિવાદ થયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ જ હત્યારો અને હત્યાનું કારણ સ્પષ્ટ થશે. સીએમ વિષ્ણુદેવ સાંઈએ પત્રકાર મુકેશની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઠ પર લખ્યુંઃ બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકારની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મુકેશજીનું અવસાન પત્રકારત્વ જગત અને સમાજ માટે અપૂર્વીય ખોટ છે. આ ઘટનાના ગુનેગારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. અમે ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવા અને તેમને કડકમાં કડક સજા કરવા સૂચના આપી છે.