અમદાવાદ: રાજ્યનાં રોજગારવાંચ્છુ યુવાધનને ઉત્તમ રોજગારી પ્રાપ્ત થાય અને સ્વનિર્ભર બને તેવા આશયથી માનનીય મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત, ગુજરાત યુનિવર્સિટી ખાતે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયાના ડબ્લ્યુઆઈઆરસીની અમદાવાદ શાખા હેઠળનાં નોકરીદાતાઓની એકાઉન્ટન્ટ્સ, ઓડિટ આસીસ્ટન્ટ્સ, કોમ્પ્યુટર ઓપરેટર-ડેટા એન્ટ્રી ઓપરેટર અને પ્યુન એમ ચાર જેટલા વ્યવસાયોની આશરે બે હજાર જેટલી એપ્રેન્ટીસની વેકેન્સી(ખાલી જગ્યાઓ) માટે આવતીકાલે તા.૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ નાં રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ખાસ અપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં એકાઉન્ટન્ટ્સ, ઓડિટ આસીસ્ટન્ટ્સ, કોમ્પ્યુટર ઓપરેટર-ડેટા એન્ટ્રી ઓપરેટર અને પ્યુન કમ કલાર્કની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એકાઉન્ટન્ટ્સની જગ્યા માટે બી.કોમ અને એમકોમ તેમ જ એકાઉન્ટીંગ સોફ્ટવેર એન્ડ કોમ્પ્યુટરના નોલેજને પ્રાથમિકતા અપાશે, તો, ઓડિટ આસીસ્ટન્ટસની જગ્યામાં બી.કોમ અને એમકોમ એપ્રેન્ટીસ કે જેણે સીએ હેઠળ આર્ટિકલ ટ્રેનીંગ કરી હશે અથવા તો ઇન્ટર સીએ હશે તો તેને પ્રાધાન્યતા અપાશે. તો, કોમ્પ્યુટર ઓપરેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે બી.કોમ અન્ડર ગ્રેજયુએટ અને કોમ્પ્યુટરમાં વર્ડ, એક્સેલ, માઇક્રોસોફ્ટ વગેરેની જાણકારી હોવી જરૂરી છે. તો, પ્યુનની જગ્યા માટે લઘુમત્ત શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ રાખવામાં આવી છે.
આ ભરતી રોજગારી મેળામાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ તેમના બાયોડેટા, પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે. તા.૭મી સપ્ટેમ્બરના રોજ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ડબ્લ્યુઆઈઆરસીની અમદાવાદ શાખા દ્વારા ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ અને એ જ પરિસરવામાં આવેલી બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.એસ.સ્કૂલના વિવિધ હોલમાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી માસ એપ્રેન્ટીસશીપ રિક્રુટમેન્ટ ફેર યોજાશે. જેમાં અમદાવાદ બ્રાંચના મેનેજીંગ કમીટીના હોદ્દેદારો ઉપરાંત ધંધો-રોજગાર ઓફર કરનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહેશે. આ ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાશે અને તેઓને રોજગારીની તકો પ્રાપ્ય બનાવાશે. આવતીકાલના ભરતી મેળામાં હજારોની સંખ્યામાં નોકરીવાંચ્છુ ઉમેદવારો ભાગ લે તેવી શકયતા છે.