જિંદ : હરિયાણાની જિંદ વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી લીધી છે. અહીં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિંડાએ કોંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટીના ઉમેદવારને પાછળ છોડીને જીત મેળવી હતી. કોંગ્રેસી નેતા રણદીપ સૂરજેવાલા ત્રીજા નંબરે રહ્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આઈએલએલડી અને નવરચિત જનનાયક જનતા પાર્ટીની પ્રતિષ્ઠા સમાન આ પેટાચૂંટણી બની ગઈ હતી. ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિંડાએ ૧૨૨૩૫ મતે જીત મેળવી હતી. તેમને ૫૦૫૬૬ મત મળ્યા હતા. કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાની હાર થઇ હતી. તેમને ૨૨૭૪૦ મત મળ્યા હતા.
તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. જેજેપીના દિગ્વિજય ચૌટાલા બીજા સ્થાને રહ્યા હતા તેમને ૩૭૬૩૧ મત મળ્યા હતા. કોંગ્રેસના શક્તિશાળી નેતા રણદીપ સૂરજેવાલાએ પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, તેઓ આશા રાખે છે કે, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને મિંડા જિંદના લોકોના સપનાને પૂર્ણ કરવા આગળ વધશે. પાર્ટી તરફથી તેમને જે જવાબદારી આપવામાં આવી હતી તેને અસરકારકરીતે અદા કરશે. ભાજપના ઉમેદવાર મિંડાએ કહ્યું હતું કે, તેઓ તમામ મતદારોનો આભાર માને છે. ચૂંટણીમાં તેમની સામે અનેક મહારથી નેતાઓ હતા પરંતુ હારી ગયા છે.
અમે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને લોકોની વચ્ચે લઇને જઇશું. બીજી બાજુ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, આ શાનદાર જીત ભાજપની સતત વધી રહેલી લોકપ્રિયતાને દર્શાવે છે. આ જીત આવનાર લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સંકેત આપે છે કે, પ્રજા કઈ રીતે ચૂંટણીને લઇ રહી છે. વિકાસની રાજનીતિને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જાતિવાદની રાજનીતિને લોકો ફગાવી ચુક્યા છે. હરિયાણાની સરકાર એક સાથે સમાજના તમામ વર્ગોને લઇને આગળ વધી રહી છે. જિંદમાં ૨૮મી જાન્યઆરીના દિવસે પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ૭૫ ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ભાજપના સ્વર્ગસ્થ નેતા હરિચંદ મિંડાના પુત્ર કૃષ્ણ મિંડાને ટિકિટ આપવામાં આવી હતી. રણદીપ સુરજેવાલાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જેજેપીએ અજય ચૌટાલાના નાના ભાઈ દિગ્વિજય ચૌટાલાને ઉમેદવાર બનાવ્યા હતા. જિંદમાં ભારતીય જનતા પાર્ટીની પેટાચૂંટણીમાં જીત થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે.