ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ ભાજપ માટે બેવડા ફટકા સમાન હવે પરિણામ રહી શકે છે. પાર્ટીની સત્તા રાજ્યમાંથી જતી રહી છે. હવે તેની કિંમત સંસદમાં પણ ચુકવવાની ફરજ પડી શકે છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં હારની સીધી અસર રાજ્યસભા પર થનાર છે. રાજ્યસભાની સ્થિતી પર નજર રાખી રહેલા જાણકાર લોકોનુ કહેવુ છે કે ભાજપની ઝારખંડમાં સત્તા જવાની સાથે સાથે તે રાજ્યસભામાં પણ તેની ત્રણ બેઠકો ગુમાવી શકે છે. શક્ય છે કે જ્યારે પાર્ટી વર્ષ ૨૦૨૪માં આગામી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતરશે ત્યારે ઝારખંડમાં તેની પાસે એક પણ રાજ્યસભા સીટ રહેશે નહી.
ઝારખંડમાં છ રાજ્સભા સીટો છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણ સીટો છે. એક સીટ કોંગ્રેસ અને એક સીટ આરજેડીની પાસે છે. એક સીટ પરથી કારોબારી પ્રમિલ નાથવાની અપક્ષ રાજ્યસભા સાંસદ તરીકે છે. તમામ છ સીટો માટે ક્રમશ ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૪માં ચૂંટણી યોજનાર છે. ચૂંટણીમાં ગઠબંધનને ૪૭ સીટો મળી છે. જેમાં ઝારખંડ મુક્તિ મોરચાને ૩૦ સીટો, કોંગ્રેસને ૧૬ સીટો અને રાષ્ટ્રીય જનતા દળને એક સીટ મળી છે. ભાજપના ખાતામાં ૨૫ સીટો આવી છે. ઝારખંડ વિકાસ મોરચાની ત્રણ સીટો રહેલી છે. આજસુને બે સીટો મળી છે. ઝારખંડમાં ૮૧ સભ્યોની વિધાનસભામાં એક રાજ્યસભા સાસંદની તરફેણમાં ૨૮ ધારાસસભ્યોના મતની જરૂર રહે છે.
વર્ષ ૨૦૨૦માં રાજ્યસભાની બે સીટ માટે મતદાન યોજાનાર છે. ભાજપની પાસે હવે ૨૫ સીટો રહેલી છે. આવી સ્થિતીમાં જો જેવીએમ અંતર રાખે છે તો તેની પાસે એક પણ સીટ આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ઝારખંડમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પાર્ટી પરિણામને લઇને નિરાશ છે.