બોલિવુડનો ટેલેન્ટેડ અભિનેતા અને બોની કપૂરના લાડલા દિકરા અર્જુન કપૂરનો આજે જન્મદિવસ છે. અર્જુન કપૂરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ‘ઇશકઝાદે’ ફિલ્મ દ્વારા કરી હતી. તે ફિલ્મ સુપરહિટ રહી હતી અને અર્જુન કપૂરને દર્શકોએ વધાવી લીધો હતો. બાદમાં અર્જુન કપૂરે એક પછી એક હિટ ફિલ્મ આપી હતી.
અર્જુન કપૂરનું વજન પહેલા ખૂબ વધારે હતુ પરંતુ સલમાન ખાને તેને સમજાવ્યુ હતુ કે તેનો જન્મ હિરો બનવા માટે થયો છે. તેણે સલમાનની વાત માનીને વજન ઓછુ કરી દીધુ હતું. અર્જુન કપૂર સલમાનનો બહુ મોટો ફેન છે.
શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂર બહેન જ્હાન્વી અને ખુશી કપૂરની ઢાલ બનીને ઉભો રહ્યો હતો. શ્રીદેવી સાથે બંને પુત્રીઓ ખુબ ક્લોઝ હતી. માતાના નિધન બાદ બંનેને જાણે કોઇકનો ખાલીપો સાલવા લાગ્યો હતો. ત્યારે અર્જુન કપૂરે બંને બહેનોને સંભાળી હતી. અર્જુન કપૂરે ક્યારેય સાવકા ભાઇની જેમ વર્તન નથી કર્યુ.
અર્જુનના જન્મદિવસ પર જ્હાન્વી ઇમોશનલ થઇ ગઇ હતી. તેણે અર્જુન વિષે કહ્યુ હતુ કે તેનો ભાઇ તેના માટે તાકાત છે. લવ યુ ભાઇ કહીને અર્જુનને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.