બાબુ બજરંગીના ઘેર તસ્કર ત્રાટકયા : દાગીનાની ચોરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: વર્ષ ર૦૦રમાં થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં સજા પામેલા બાબુ બજરંગીના ઘરમાંથી ગઇકાલે તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમથી ભરેલ સેફ લોકરની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ બનાવની જાણ થતાં બાબુ બજરંગીના પુત્રએ સરદારનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નરોડા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા બાબુ બજરંગીના પુત્ર વિરેન પટેલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવારે વિરેનનાં ચાર મહિનાનાં ભત્રીજા ધ્વીનને બાયડ ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હોવાથી તે તેનાં પિતા બાબુભાઇ સહિત પરિવાર સાથે ઘર બંધ કરીને બાયડ ગયાં હતાં.

ગઇ કાલે વહેલી પરોઢે વિરેનના સામેના મકાનમાં રહેતાં લીલાબહેન પટેલે ફોન કર્યો હતો અને મકાનમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. ચોરીનાં સમાચાર મળતાંની સાથે વિરેન, તેનો મોટો ભાઇ તરુણ અને પિતા બાબુભાઇ તેમના ઘરે પરત આવ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને ઘરનો તમામ સરસામાન વેરવિખેર હતો અને લોખંડની તિજોરીમાં પડેલ સેફ લોકર ગાયબ હતું.

લોકરમાં પાંચ લાખ કરતાં વધુના સોના-ચાંદીના દાગીના અને ૬૦ હજારની રોકડ રકમ હતી. ચોરી કરવા માટે ત્રણ ચોર બાઇક લઇને આવ્યા હતા. લીલાબહેને ચોર-ચોર કરીને બૂમો પાડતાં ત્રણેય જણા બાઇક લઇને નાસી ગયા હતા. બાબુ બજરંગીને બાયપાસ સર્જરી કરાવી હોવાથી તેઓ ફર્લો પર જેલની બહાર છે. સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જા કે, બાબુ બજરંગીના ઘરમાં તસ્કરોએ ત્રાટકી હાથ સાફ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

Share This Article