પુણે : પુણેની નિચલી અદાલતે આજે પુણેમાં વર્ષ ૨૦૧૦માં જર્મન બેકરી વિસ્ફોટ મામલામાં આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનના સહઆરોપી યાસીન ભટકલની સામે આરોપો નક્કી કર્યા હતા. ભટકલ ઉર્ફે મોહમ્મદ અહેમદ સિદ્દીબપ્પાને કઠોર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ વકીલ ઉજ્જવલ પવારે કહ્યું હતું કે, તેની સામે ઇન્ડિયન પીનલ કોડ, વિસ્ફોટક સામગ્રી કાનૂન અને ગેરકાયદે ગતિવિધિઓ રોકવા સામે સંબંધિત કાયદાઓની જુદી જુદી કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૦માં પુણેના કોરેગાંવ પાર્ક ક્ષેત્રમાં જર્મન બેકરીમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ૧૭ લોકોના મોત થયા હતા અને અન્ય ૬૪ લોકો ઘાયલ થયા હતા.
આ પહેલા એક ખાસ એનઆઈએ કોર્ટ દ્વારા જુલાઈ ૨૦૧૮માં ભટકલને ૨૦૧૩ હૈદરાબાદ બ્લાસ્ટના સંદર્ભમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આજે તેને દિલ્હીની તિહાર જેલમાંથી લાવીને અહીંની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. યાસીન ભટકલની ધરપકડ બાદ પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે પુણેની અદાલતમાં તેને લઇ જવામાં આવ્યો હતો. પવારે કહ્યું હતું કે, દિલ્હી પોલીસે એક અરજી દાખલ કરીને કહ્યું હતું કે, સુરક્ષા કારણોથી તેઓ સુનાવણી માટે ભટકલને પુણે લઇ જઇ શક્યા ન હતા. આગામી સુનાવણી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કરવામાં આવશે.
ભટકલના વકીલ ઝહીર ખાન પઠાણે દિલ્હી પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે, આરોપી સુનાવણી દરમિયાન ઉપસ્થિત થાય તે જરૂરી છે. એનઆઈએની ટુકડી દ્વારા બાતમીના આધાર પર આ કુખ્યાત આતંકવાદીને ભારત નેપાળ સરહદ પરથી પકડી પાડ્યો હતો. યાસીન ભટકલ ૪૦થી વધુ આતંકવાદી બનાવોમાં વોન્ટેડ તરીકે રહેલો છે. તેની ધરપકડ બાદ અનેક વિગતો ખુલી ચુકી છે.