નવીદિલ્હી : ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાના અબજોપતિની યાદીમાં વધુ છલાંગ લગાવીને હવે ૧૩માં સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં જૈફ બેજોસ પ્રથમ સ્થાન પર છે. ફોર્બ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોનના સ્થાપક ૫૫ વર્ષીય જૈફ બેજોસ આ યાદીમાં પ્રથમ સ્થાન પર અકબંધ રહ્યા છે. ત્યારબાદ બિલ ગેટ્સ બીજા અને વોરેન બફેટ ત્રીજા સ્થાને રહ્યા છે. બેજોસની સંપત્તિ છેલ્લા એક વર્ષના ગાળામાં ૧૯ અબજ ડોલર વધીને ૧૩૧ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ૬૧ વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ૨૦૧૮માં ૪૦.૧ અબજ ડોલર હતી જે વધીને હવે ૫૦ અબજ ડોલર થઇ ગઇ છે. દુનિયાના અમીરોમાં છેલ્લા વર્ષે તેઓ ૧૯માં ક્રમે હતા અને હવે છ સ્થાન જંપ કરીને ૧૩માં સ્થાને પહોંચી ગયા છે.
તેમના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં ૧૩૪૯માં સ્થાને પહોંચી ગયા છે. આ પહેલા ૨૦૧૭ની ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી ૩૩માં સ્થાને હતા. ફોર્બ્સની યાદીમાં ભારતના ૧૦૬ અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણી સૌથી આગળ રહ્યા છે. યાદીમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ ત્રણ સ્થાન નીચે પહોંચીને નિચલી સપાટીએ પહોંચ્યા છે. ન્યુયોર્કના પૂર્વ મેયર માઇકલ બ્લુમબર્ગ દ્વારા બે સ્થાનનો કુદકો લગાવવામાં આવ્યો છે. બિલ ગેટ્સની સંપત્તિ ગયા વર્ષે ૯૦ અબજ ડોલરથી વધુને ૯૬.૫ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ફોર્બ્સનું કહેવું છે કે, મુકેશ અંબાણી સૌથી અમીર ભારતય છે.
ફોર્બ્સ દ્વારા ૨૦૧૮ના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણી ૩૨માં સ્થાને હતા. તેમણે ૨૦૧૭માં ગ્લોબલ ગેમ ચેન્જરનો દરજ્જા આપવામાં આવ્યો હતો. ફ્રાંસીસી લકઝરી ચીજવસ્તુઓ બનાવતી કંપની એલવીએલએચના સીઈઓ બર્નાડ વૈશ્વિક યાદીમાં ચોથા સ્થાને છે જ્યારે ઝકરબર્ગ પાંચમાં સ્થાનેથી ખસીને આઠમાં સ્થાને પહોંચ્યા છે. યાદીમાં કેહવામાં આવ્યું છે કે, આ યાદી આઠમી ફેબ્રુઆરના દિવસે કંપનીઓના શેર મૂલ્યો અને અન્ય દરો પર આધાર રાખીને તૈયાર કરવામાં આવી હતી. તેના પ્રકાશના થોડાક દિવસ બાદ જ કેટલાક લોકો વધુ અમીર બન્યા છે જ્યારે કેટલાક લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે.
ફોર્બ્સે ૩૩માં વર્ષે રેંકિંગ જારી કરી છે જેમાં ૨૧૫૩ અબજાપતિના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૮માં આ યાદીમાં ૨૨૦૮ લોકો હતા. આ વર્ષે અબજાપતિઓની કુલ સંપત્તિ ૮૭૦૦ અબજ ડોલર રહી છે જ્યારે ૨૦૧૮માં તેમની સંપત્તિ ૯૧૦૦ અબજ ડોલર હતી.