અમદાવાદઃ રાજયમાં એન્જિનિયરીંગ અને મેડિકલ કોલેજોમાં એડમિશન માટે ફરજિયાત ગણાતી જેઈઈ અને નીટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા બાદ આ વર્ષે લેવાનારી પહેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે અને તે મુજબ જાન્યુઆરી-ર૦૧૯માં લેવાનારી જેઈઈ (મેઇન)ની પરીક્ષાનાં ફોર્મ તા.૧લી સપ્ટેબરથી ભરી શકાશે. આ ફોર્મ ઓનલાઇન ભરવાનાં રહેશે. જ્યારે ફેબ્રુઆરીમાં લેવાનારી નીટની પરીક્ષાનાં ફોર્મ તા.૧લી ઓક્ટોબરથી ઓનલાઇન ભરાશે. સિલેબસ અને પ્રશ્નપત્રોનું સ્વરૂપ એનું એ જ રહેશે.
નોંધનીય છે કે, આ વર્ષે પહેલી જ વખત જેઈઈ (મેઈન) અને નીટ વર્ષમાં બે વાર યોજાઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ બન્ને પરીક્ષાના બે શેડ્યૂલ જાહેર કર્યા છે. આ તમામ પરીક્ષા માત્ર ઓનલાઈન લેવાશે અને યુજીસી-નેટથી જ ઓનલાઈન ફરજિયાત થશે. મલ્ટિપલ સીટિંગ્સવાળી આ પરીક્ષામાં પરીક્ષાર્થી ઈચ્છે તે તારીખ પસંદ કરી શકશે. જેઈઈ (મેઈન) પરીક્ષાની તારીખ ૬ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી, ર૦૧૯ સુધીની રહેશે અને જેઈઈ (મેઈન) પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જાહેર થશે.
નીટની પરીક્ષા તા.૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી, ર૦૧૯ સુધીની રહેશે. તેનું પરિણામ માર્ચ-ર૦૧૯ના પહેલા સપ્તાહે જાહેર થશે. જ્યારે નીટ મે માસની પરીક્ષા તા. ૧ર થી ર૬ મે દરમિયાન લેવાશે અને તેનું પરિણામ જૂન-ર૦૧૯ના પહેલા સપ્તાહે જાહેર થશે. આમ, જેઇઇ(મેઇન) અને નીટની પરીક્ષાનો કાર્યક્રમ અને માળખુ જાહેર થતાં વિદ્યાર્થીઓએ પણ ઘણી રાહત અનુભવી છે અને અત્યારથી જ તૈયારીમાં જોતરાઇ ગયા છે.