” જે છે તે એ જ   છે “

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

–    અનંત પટેલ

 

સવિતા સાસરે આવી તેના એકાદ માસ પછી તેને એવું લાગવા માંડ્યુ જાણે બધાં એની અવગણના કરે છે. ધીમે ધીમે એને એમ થવા લાગ્યુ હતું કે નવી વહુ નવ દા’ડા એ મુજબ બધાંએ એને એકાદ મહિના સુધી તો લાડ કર્યા કર્યુ , પણ હવે જાણે કે સૌ એની ગતિ વિધીનું ધ્યાન રાખતાં હોય તેમ લાગતું હતું . એ કાંઈપણ કામ કરતી હોય ત્યારે એના મનમાં થઈ આવતું કે કોઇ એને છૂપાઈને જોઇ રહ્યું છે.  એક અગમ્ય ભય એને અકળાવી મૂકતો હતો. એનો પતિ સંજય એની આ મૂંઝવણની વાત સાભળતો પણ પછી એ કશું જ બોલ્યા ચાલ્યા વિના સૂઈ જતો. સવિતા એને કાંઇ બોલાવવા મથે તો —

” એ તો બધુ ધીમે ધીમે સેટલ થઈ જશે, તું નકામી ચિંતા કરે છે  ”

એટલુ કહી ને તે ચૂપ થઈ જતો.

—  સાસુ ઘરની વડીલ અને મુખ્ય સ્ત્રી હોય છે એટલે વહુએ સાસુનું માન સમ્માન સંપૂર્ણ રીતે જાળવવું જ જોઇએ એવું દરેક સાસુ માનતી હોય છે.

—  સસરા મોટે ભાગે સાસુ વહુ કે દેરાણી જેઠાણીની તૂં  તૂં —   મેં  મેં  માં માથુ મારતા નથી.

—  સવિતા હજુ પહેલી જ વહુ હતી એટલે એને દેરાણીનો પ્રશ્ન ન હતો, પણ સાસુ જાણે કે એની ભૂલ કાઢવા જ તાકીને બેઠાં હોય એમ એની ભૂલ થાય તો હસતાં હસતાં ય એને ટોકવાનું  ચૂકતાં નથી  એવું તેને લાગતું.

—  સંજયની બહેન તારા સ્વભાવની સારી હતી, બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એટલે સવિતા તેને સહેલી બનાવવા જતી હતી, પણ તારા ભાભીના દરેક પ્રયત્નને શંકાની નજરે જોતી હોય એવું સવિતાને લાગતું હતું..

— ધીમે ધીમે સવિતા આવા નકારાત્મક વિચારો તેમજ સાસરિયાં તો વહુને હેરાન કરવાનું ચૂકે જ નહિ તેવા ખ્યાલોને લીધે અપસેટ રહેવા લાગી. તેવામાં અચાનક તેના પપ્પા તેને મળવા આવ્યા તો એ એમને વળગીને મુક્ત મને રડી જ પડી … આ જોઇ તેનાં સાસુને થયુ ,  કદાચ સવિતાને પિયરની બહુ યાદ આવી છે એટલે તેમણે સવિતાને એક અઠવાડિયું  તેના પપ્પા સાથે પિયર જવા સૂચવ્યુ. સવિતા તો ખુશ થઈ ગઈ અને પપ્પા જોડે  હોંશે હોંશે મમ્મી પાસે આવી ગઈ. મમ્મી પાસે પણ તેનાથી ડૂસકુ  મૂકાઈ ગયું. થોડી ક્ષણો  માટે એના  હૈયામાં ગજબનો હાશકારો પ્રગટી આવ્યો. સવિતાનું રુદન જોતાં દીકરીને દુ:ખ પડ્યું કે શું એમ લાગતાં તેની મમ્મીએ તેની પાસેથી બધી વાત શાંતિથી સાંભળી લીધી. એ વખતે એમણે કશું સલાહ સૂચન ન કર્યુ. ત્રણ ચાર દિવસ દીકરીને પ્રેમથી રાખ્યા પછી તેના પપ્પાની હાજરીમાં જ તેને સમજ આપી–

” જો બેટા તુ માને છે એવું કશું હોતું જ નથી . તારા મનમાંથી આવા બધા વહેમ અને ખોટા વિચારો તું કાઢી  નાખીશ એમાં જ તારું ભલુ થશે. વહુ આવે એટલે સાસરીયામાં દરેક વ્યક્તિને  એના વિશે જાણવાની,  એને જોવાની સાંભળવાની  જિજ્ઞાસા હોય એ સ્વભાવિક છે , જો તારાં સાસુને  તારા માટે અણગમો કે અભાવ હોત તો એ સામેથી તને તારા પપ્પા જોડે શું કામ મોકલત બોલ ? તું માને છે એવું  કશું જ નથી. તારાં સાસુ સસરા નણંદ દિયર અને આપણા જમાઈ  બધાં બહુ જ સારાં માણસો છે તારે એમના જીવનમાં એ જેવાં છે તેવાં સ્વીકારીને ભળી જવાનું છે એટલે તું તારા મનમાં કશી શંકા કુશંકા પેદા જ ના કર.. નહિતર પછી તું હાથે કરીને દુ:ખ ઉભુ કરીશ……..”

— સવિતાએ મમ્મીની વાત ધ્યાનથી સાંભળી. પછી તે  મંથન કરવા લાગી… ઉંડાણથી વિચાર્યા બાદ એને પોતાના ખોટા  વિચારો બદલ પસ્તાવો થવા લાગ્યો. તેણે મનમાં નક્કી કર્યુ..

— મમ્મીની વાત સાચી છે મારા સાસુએ કે નણંદે મારી સાથે ક્યાં કદી ઝગડો કર્યો છે ? ક્યાં એને ખાવા પીવામાં ટોકી છે ? એ બધાં મારા માટે નવાં છે એટલે થોડા દિવસ તો એવું  લાગે , બાકી એ જેવાં છે તેવાં સારાં જ છે અને મારાં જ છે….  એમ માની ને બીજા દિવસે તેની મમ્મીને લઈને એ સાસરે આવી પહોંચી…

— વહુને વહેલી પાછી  આવેલી જોઇને એનાં સાસુ સસરા અને સંજય બધાં જ ખુશ થઈ ગયાં.

— દીકરી વહુ બને ત્યારે સાસરીયામાં નવા લોકો,  નવું વાતાવરણ વગેરેમાં ભળી જતાં થોડીવાર લાગે છે , એકવાર એ જેવું છે એવું છે  એમ  સ્વીકારીને બધા સાથે ભળી જાય તો પછી ભવિષ્યમાં એને માટે સુખ જ સુખ હોય છે. .

 

 

 

Share This Article