ભારતના સૌથી પ્રખ્યાત સાહિત્ય પુરસ્કારોમાંના એક એવા JCB પ્રાઇઝ ફોર લિટરેચર હવે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થઇ ગયો હોવાથી આજે તેની 2023ની જ્યુરી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યુરી પેનલની અધ્યક્ષતા લેખક અને અનુવાદક શ્રીનાથ પેરુર કરશે. જ્યુરીમાં નીચેના મહાનુભાવોનો સમાવેશ થાય છે: મહેશ દત્તાણી, નાટ્યલેખક અને રંગમંચ દિગ્દર્શક; સોમક ઘોષલ, લેખક, વિવેચક અને લર્નિંગ ડિઝાઇનર; કાવેરી નામ્બિસન, લેખક અને સર્જન; તેમજ, સ્વાતિ થિયાગરાજન, કન્ઝર્વેશન પત્રકાર અને ફિલ્મ નિર્માતા.
આ જ્યુરી વિવિધ સંખ્યાબંધ પૃષ્ઠભૂમિ, ભાષાઓ અને અભિવ્યક્તિના માધ્યમોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આ વર્ષ માટે ભારતમાંથી શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિના સર્જકને પસંદ કરવાના કામ માટે સાથે મળીને વિભિન્ન દૃષ્ટિકોણ લાવશે. JCB પ્રાઇઝ ફોર લિટરેટર ભારતની ખોદકામ અને બાંધકામ સાધનોની અગ્રણી ઉત્પાદક કંપની JCB ઇન્ડિયા લિમિટેડ દ્વારા આપવામાં આવતા ભંડોળની મદદથી એનાયત કરવામાં આવે છે અને JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષની જ્યુરી અંગે ટિપ્પણી કરતાં, JCB પ્રાઇઝ ફોર લિટરેચરના લિટરરી ડાયરેક્ટર મીતા કપૂરે જણાવ્યું હતું કે, “ગયું વર્ષ ખરેખર અમારા માટે સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે. પ્રથમ વખત અમારી જ્યુરીએ એક શોર્ટલિસ્ટ રજૂ કર્યું જે તમામ અનુવાદો હતા. ભારતમાં અનેક ભાષાઓ બોલાય અને વંચાય છે, અને JCB પુરસ્કાર માટે સબમિટ કરવામાં આવેલા પુસ્તકો ખરા અર્થમાં ભારતની અનેકતામાં એકતાની સાચી રજૂઆત છે. 2023ની જ્યુરી ટીમ વિવિધ પૃષ્ઠભૂમિ, ભાષાઓ, કળાના સ્વરૂપો અને અભિવ્યક્તિના માધ્યમોની વિવિધ શ્રેણીમાંથી પુષ્કળ અનુભવો એક સાથે લાવે છે. તેમની સચોટ નજર અને વાર્તા કહેવાની ઝીણવટભરી સમજની મદદથી, અમને વિશ્વાસ છે કે જ્યુરી આ વર્ષે જમા થયેલા સબમિશનને વાંચશે, તેનું મૂલ્યાંકન કરશે અને તેમાંથી એવા ખરા રત્નોને શોધી કાઢશે, જેને ખરેખરમાં ભારત અને બહારના પુસ્તકપ્રેમીઓ પણ ચોક્કસ પસંદ કરશે.”
2022નો JCB પ્રાઇઝ ફોર લિટરેટર પુરસ્કાર ખાલિદ જાવેદ દ્વારા લખાયેલી કૃતિ ધ પેરેડાઇઝ ઓફ ફૂડને એનાયત કરવામાં આવ્યો હતો, જેને બરાન ફારૂકીએ ઉર્દૂમાંથી અનુવાદિત કરી હતી અને જગરનોટ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ધ પેરેડાઇઝ ઓફ ફૂડ એ ભોજન અને રસોડાના માધ્યમથી નિરુપણ કરવામાં આવેલું સમકાલીન શરીર, ઘર અને રાષ્ટ્રનું એક કઠોર અને મંત્રમુગ્ધ કરનારું વર્ણન છે. અતિ-ઉપભોક્તાવાદ દ્વારા ઉપભોગ કરવામાં આવતી દુનિયામાં, આ પુસ્તકમાં મજબૂત પ્રતિકથા રજૂ કરવામાં આવી છે જેથી તે એક મહત્વપૂર્ણ કૃતિ બની છે.
વાચકોમાં સમાવેશીતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, 2022ની શોર્ટલિસ્ટ કરાયેલી અન્ય ચાર નવલકથાઓ સાથે આ પુસ્તક પણ JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ માધ્યમથી સુલભ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો પણ તેનો લાભ ઉઠાવી શકે.
જ્યુરી ટીમ સપ્ટેમ્બર (જે ફેરફારને આધીન છે)માં દસ શીર્ષકોની લાંબી યાદી જાહેર કરશે, ત્યારપછી ઓક્ટોબર 2023 (જે ફેરફારને આધીન છે)માં પાંચ શીર્ષકોનું શોર્ટલિસ્ટ જાહેર કરશે. નવેમ્બર 2023માં યોજાનારા એવોર્ડ સમારંભ વખતે રૂપિયા 25 લાખના ઇનામના વિજેતાની જાહેરાત કરવામાં આવશે. જો વિજેતા કૃતિ કોઇ અનુવાદ હશે, તો અનુવાદકને વધારાના રૂ. 10 લાખનું ઇનામ આપવામાં આવશે. શોર્ટલિસ્ટ કરાયેલા પાંચ લેખકોમાંથી દરેકને રૂ. 1 લાખ મળશે; જો શોર્ટલિસ્ટ કરેલી કૃતિ અનુવાદ હશે, તો અનુવાદકને રૂ. 50,000 આપવામાં આવશે.
વર્ષ 2023ની જ્યુરી ટીમના અધ્યક્ષ શ્રીનાથ પેરુરે જણાવ્યું હતું કે, “JCB પ્રાઇઝ ફોર લિટરેચર-2023 માટે જ્યુરીનો ભાગ બનવા બદલ હું ખુશ છું. આ પુરસ્કારમાં આપણા સમયની વાત કરતા હોય એવા પુસ્તકોની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, અને અન્યાયી રીતે જેની અવગણવામાં આવી હોય તેવા પુસ્તકો પર આ પુરસ્કાર સૌનું ધ્યાન દોરે છે. આ સંદર્ભે, હું પ્રકાશકોને ખાસ કરીને અનુવાદિત પુસ્તકો મોકલવા માટે પ્રોત્સાહિત કરવા માટે સાહિત્ય પુરસ્કાર દ્વારા હાથ ધરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરું છું. તેનાથી એવું સુનિશ્ચિત થાય છે કે, આ ક્ષેત્ર ગયા વર્ષમાં અંગ્રેજીમાં બહાર પાડવામાં આવેલી અનેક ભારતીય નવલકથાઓનું ખરેખર પ્રતિનિધિત્વ કરે છે. એક વાચક તરીકે, હું એવા પુસ્તકો શોધવાની આશા રાખું છુ જેને, મેં કદાચ જ્યુરી તરીકેની ફરજ બહાર ક્યારેય લીધા ન હોય, અને સામૂહિક રીતે આપણી ક્ષિતિજોનું વિસ્તરણ કરું છું – આ એવી વસ્તુઓમાંથી એક છે જેને ખૂબ સારી સાહિત્ય કરે છે.”
પુરસ્કાર વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.thejcbprize.org. અપડેટ્સ માટે, ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર @thejcbprize જુઓ.
જ્યુરી વિશે
શ્રીનાથ પેરુર (અધ્યક્ષ) ઇફ ઇટ્સ મન્ડે ઇટ મસ્ટ બી મદુરાઇ નામના ટ્રાવેલોગ (પ્રવાસ સંબંધિત પુસ્તક)ના લેખક છે. તેમણે ઘચરઘોચાર (વિવેક શાનભાગ દ્વારા લિખિત) નવલકથા અને મેમોર (સ્મૃતિ સંગ્રહ) ધ લાઇફ એટ પ્લે (ગિરીશ કર્નાડ લિખિત)નો કન્નડમાંથી અનુવાદ કર્યો છે. તેઓ વિજ્ઞાન, પ્રવાસ અને પુસ્તકો સહિત વિવિધ વિષયો પર લખે છે.
સોમક ઘોષલે 15 વર્ષથી વધુ સમય સુધી ભારતની મુખ્ય સંસ્થાઓ સાથે પ્રકાશન અને મીડિયામાં કામ કર્યું છે, જેમાં ખાસ કરીને વિવેચક અને પુસ્તક પ્રકાશક તરીકે તેમણે સેવા આપી છે. તેમનું લેખનકાર્ય મિન્ટ, હફપોસ્ટ, ધ ટેલિગ્રાફ, ઓપન, ધ હિન્દુ, ધ વોઇસ ઓફ ફેશન, મેકોંગ રિવ્યુ, ઇન્ડેક્સ ઓન સેન્સરશીપ, CNN સ્ટાઇલ અને બીજા ઘણા ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં જોવા મળ્યું છે. તેઓ યુવા વાચકો માટે લખાયેલા બે પુસ્તકોના લેખક છે, જેને પેંગ્વિન રેન્ડમ હાઉસ અને પ્રથમ બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. હાલમાં, તેઓ એડ-ટેક સંસ્થા સાથે લર્નિંગ ડિઝાઇનર તરીકે કામ કરી રહ્યા છે.
મહેશ દત્તાણી નાટ્યલેખક, રંગમંચ દિગ્દર્શક અને માર્ગદર્શક છે. નાટ્યલેખક તરીકેની તેમની કૃતિઓનો ભારત અને વિદેશની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેનું મંચન કરવામાં આવ્યું છે.
દત્તાણીને તેમના સાહિત્યસંગ્રહ ફાઇનલ સોલ્યુશન્સ એન્ડ અધર પ્લેઝની રચના બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. દિગ્દર્શક તરીકેના તેમના કાર્યોમાં બર્નાર્ડ કોલેજ, કોલંબિયા યુનિવર્સિટી માટે ટાગોરની વાર્તા ચોખેર બાલીનું અંગ્રેજીમાં રૂપાંતરણ, ICS થિયેટર, ન્યૂ જર્સી માટે લોર્કાના બ્લડ વેડિંગનું રૂપાંતરણ, તેમના દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત સ્નેપશોટ્સ ઓફ ફર્વિડ સનરાઇઝ સામેલ છે.
તાજેતરમાં તેમણે ન્યૂયોર્કમાં ધીસ ઇઝ નોટ એ થિયેટર કંપની સાથે અ લિટલ ડ્રેપ ઓફ હેવન નામના એક ઓડિયો નાટક માટે લેખન અને દિગ્દર્શનનું કામ કર્યું હતું, જેને ધ ન્યૂયોર્ક ટાઇમ્સે ન્યૂ યોર્કમાં અચૂક પસંદ કરવા માટેની ટોચની પાંચ વસ્તુઓમાં પસંદ કર્યું હતું. લેખક અને દિગ્દર્શક તરીકે તેમના ફિલ્મી કામમાં મેંગો સોફલ (2000) અને મોર્નિંગ રાગા (2003)નો સમાવેશ થાય છે. તેઓ થિયેટર માટે નવા કાર્યોનું માર્ગદર્શન અને નિર્માણ કરવા માટે સમર્પિત સમૂહ પ્લેપેન પરફોર્મિંગ આર્ટ્સ ટ્રસ્ટના આર્ટિસ્ટિક ડિરેક્ટર છે. તેઓ ભારતમાં મુંબઇમાં રહે છે.
કાવેરી નામ્બિસને બાળકો માટેના પુસ્તકોથી તેમની લેખન કારકિર્દીની શરૂઆત કરી હતી. પુખ્ત વાચકો માટેની તેમની નવલકથાઓમાં ધ સેન્ટ ઓફ પીપર, અ સ્ટોરી ધેટ મસ્ટ નોટ બી ટોલ્ડ અને અ ટાઉન લાઇક અવર્સનો સમાવેશ થાય છે. તેમનું બિન-કાલ્પનિક પુસ્તક એ લક્ઝરી કોલ્ડ હેલ્થ તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી કૃતિ છે. તેઓ રાષ્ટ્રીય અખબારો અને આંતરરાષ્ટ્રીય સાહિત્યસંગ્રહોમાં લેખો અને નિબંધોના લેખનનું યોગદાન પણ આપે છે. તેઓ આંતરરાષ્ટ્રીય લેખન ફેલોશિપ પર ઇયોવા યુનિવર્સિટીમાં; ફુલબ્રાઇટ અને આયોવા દ્વારા પ્રાયોજિત સાહિત્યિક કાર્યક્રમ પર પાકિસ્તાનમાં; તેમના સ્વર્ગસ્થ પતિ તેમજ કવિ વિજય નામ્બિસન સાથે રાઇટર ઇન રેસિડેન્સ તરીકે શાંઘાઇમાં ગયા હતા.
કાવેરીએ બેંગ્લોરની સેન્ટ જોન્સ મેડિકલ કોલેજમાંથી મેડિસીન ક્ષેત્રમાં સ્નાતકની પદવી મેળવી છે, યુકેમાં તેમણે ઉચ્ચ સર્જિકલ તાલીમ લીધી છે અને લંડનની રોયલ કોલેજ ઓફ સર્જન્સની ફેલોશિપ મેળવી છે. ત્યારથી તેમણે બિહાર, યુપી અને તમિલનાડુ અને કર્ણાટકના વિવિધ ભાગો સહિત ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સર્જન તરીકે કામ કરીને તેમની કારકિર્દી બનાવી છે.
કાવેરી નામ્બિસન કોડગુમાં રહે છે અને કામ કરે છે.
સ્વાતિ થિયાગરાજન અનેક પુરસ્કાર વિજેતા કન્ઝર્વેશન પત્રકાર છે. તેમણે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં કન્ઝર્વેશન અને વન્યજીવન રિપોર્ટિંગની પહેલ કરી હતી. તેઓ NDTVના ભૂતપૂર્વ પર્યાવરણ સંપાદક રહી ચુક્યા છે અને તેમના એક મુખ્ય શો બોર્ન વાઇલ્ડનું તેમણે સંચાલન અને નિર્માણ કર્યું છે. તેમણે બોર્ન વાઇલ્ડ, જર્નીઝ ટુ ધ વાઇલ્ડ હાર્ટ્સ ઓફ ઇન્ડિયા એન્ડ આફ્રિકા નામનું પુસ્તક લખ્યું છે. તેઓ એક દસ્તાવેજી ફિલ્મસર્જક પણ છે, તેમની ફિલ્મ ધ એનિમલ કોમ્યુનિકેટરને 2012થી અત્યાર સુધીમાં યુટ્યુબ પર 8 મિલિયનથી વધુ વ્યૂ મળ્યા છે અને તે US તેમજ UKમાં એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે. તેઓ એકેડેમી એવોર્ડ વિજેતા માય ઓક્ટોપસ ટીચર માટે સહાયક નિર્માતા રહી ચુક્યા છે અને હાલમાં કેપ ટાઉનમાં સી ચેન્જ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે.