ભાનુશાળી હત્યા : ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના ૩૬ કલાક બાદ પોલીસે એચ ૧ કોચમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં કઈ સ્થિતિમાં અને સંજોગોમાં તેમને ગોળી મારવામાં આવી તે જાણવા પોલીસ પ્રયાસ કર્યો હતો. પોલીસે આજે ટ્રેનના કોચમાં ડોગ સ્કવોડ, એફએસએલ સહિતની ટીમોને સાથે રાખી બહુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાના એક માત્ર સાક્ષી એવા પવન મોરેની પૂછપરછ અને તેણે કરેલા વર્ણનના આધારે હત્યારાના સ્કેચ તૈયાર કરવાની દિશામાં પણ  ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની તપાસ ટીમના અધિકારીઓએ આજે તપાસના સમગ્ર તબક્કા દરમ્યાન ટ્રેનના બે ટિકિટ ચેકર, ૩ એટેન્ડન્ટ અને હત્યાનો સાક્ષી પવન મોરેને સાથે રાખ્યો હતો. બેલાસ્ટિક રિપોર્ટના આધારે કેટલા અંતરેથી ગોળી મારવામાં આવી હતી તેની કડી પોલીસને હાથ લાગી છે. પોલીસની ટીમે જયંતી ભાનુશાળીની હત્યાના પહેલા ટ્રેન ક્યાં ક્યાં રોકાઇ હતી તેમજ નજીકના રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે હત્યારાની કોઇ કડી હાથ લાગી જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જા કે, હજુ સુધી પોલીસને કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી. પોલીસ સુત્રો અનુસાર જયંતી ભાનુશાળી સાથે કોચમાં પ્રવાસ કરનાર પવન મોરેએ આરોપીને જોયો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

હાલ પોલીસ દ્વારા સ્કેચ આર્ટિસ્ટની મદદથી પવનના વર્ણનના આધારે હત્યારાનો સ્કેચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પવન મોરે જ એક માત્ર સાક્ષી હોવાની વાતના કારણે તેની આજે ત્રણથી ચાર કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેનની ચેઈન પુલિંગ થઇ ત્યારે ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા કોને જાણ કરવામાં આવી અને રેલવેના કયા અધિકારી દ્વારા શું કામગીરી કરવામાં આવી તે વિગતો મેળવવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. સીટની તપાસમાં શહેર ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને સીઆઇડી ક્રાઇમ તેમ જ રેલ્વે પોલીસના અધિકારીઓની ટીમો પણ જાડાઇ છે અને તેઓ પણ આ સમગ્ર હત્યા પ્રકરણમાં તેમની રીતે કડી મેળવવાના અને ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસમાં જાતરાઇ છે.

Share This Article