અમદાવાદ : ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણના આટલા દિવસો સુધી આ મામલાની તપાસ કરી રહેલી એજન્સીઓ કોઇ નક્કર સત્ય સુધી પહોંચી શકી નથી. ગુજરાત પોલીસની ચાર-પાંચ ટીમો છેલ્લાં એક સપ્તાહથી મહારાષ્ટ્રના પુના સહિતના રાજયોમાં તપાસનો દોર લંબાવી દોડી રહી છે પરંતુ હજુ નાસતા ફરતા આરોપીઓ કે, અન્ય શાર્પશૂટર્સ પોલીસને હાથ લાગ્યા નથી. બીજીબાજુ, આટલા દિવસ બાદ પણ તપાસનીશ એજન્સીઓ દ્વારા કોઇ ચોક્કસ વિગતો જાહેર નહી કરાતાં હવે ભાનુશાલી હત્યા કેસની તપાસ કયાં અટવાઇને રહી ગઇ તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને આ કેસમાં એક કરતાં વધુ તપાસ એજન્સીઓ તપાસ ચલાવી રહી હોઇ ઝાઝા રસોઇયા રસોઇ બગાડે તેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાએ પણ ભારે જાર પકડયું છે. તો સાથે સાથે વાયબ્રન્ટ ગુજરાત અને વડાપ્રધાનના કાર્યક્રમોને લઇ પોલીસ પકડાયેલા આરોપીઓની ધરપકડ બતાવી નહી રહી હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે.
થોડા દિવસ પહેલાં તા. ૮મી જાન્યુઆરીના રોજ સયાજીનગરી એક્સપ્રેસમાં અમદાવાદ આવી રહેલા જયંતિ ભાનુશાળી ઉપર બે અજાણ્યા શાર્પ શુટર્સે ગોળીબાર કરી હત્યા નિપજાવી હતી. આ મામલે ભાનુશાળીના પરિવાર દ્વારા પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ મામલે તપાસ કરવા ડીજીપી દ્વારા સીટ(ખાસ તપાસ દળ)ની રચના કરવામાં આવી હતી અને ખાસ તપાસ દળની મદદે ગુજરાત એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને આરપીએફની ટીમોને પણ સામેલ કરવામાં આવી હતી. પરંતુ વધારે રસોઇયા રસોઈ બગાડે તેવો ઘાટ સર્જાયો છે. કેટલાંક પોલીસ અધિકારીઓ દ્વારા ઈરાદાપુર્વક સિલેક્ટેડ મીડિયા લીકેજ કરવામાં આવ્યુ જેમાં જયંતિ ભાનુશાળી કેસના મહત્વના આરોપીઓ પકડાઈ ગયા તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રકારનું સિલેક્ટેડ મીડિયા લીકેજ કેમ કરવામાં આવ્યુ તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. પરંતુ સંભાવના એવી છે કે આરોપી પકડાઈ ગયા તેવા સમાચાર વહેતા કરી એજન્સી જે આરોપીઓ ભાગતા ફરે છે તેમની ઉપર માનસિક દબાણ વધારવા માગતી હતી. પરંતુ આરોપીઓ પોલીસ કરતા એક ડગલુ આગળ વિચારી રહ્યા હતા.
પોલીસના આ પ્રકારના માનસિક દબાણની કોઈ અસર ભાગેડુ આરોપીઓ પર થઈ નહીં. પોલીસને ટેકનીકલ સર્વેલન્સમાં કેટલાંક મહત્વના ફોન નંબર હાથ લાગ્યા હતા જેના કારણે એજન્સીઓને વિશ્વાસ હતો કે, બહુ જલદી આરોપી હવે તેમની પકડમાં હશે પણ તે કિસ્સામાં પણ આરોપી પોલીસ કરતા સવાયા સાબિત થયા. ખરેખર ભાનુશાળી પ્રકરણમાં પોલીસ જાહેરમાં કંઈ કહી શકે તેવી સ્થિતિમાં જ નથી. હાલમાં કેટલીક ટીમો પુનાની આસપાસ કાર્યરત છે, પરંતુ નક્કર કોઈ કડી પોલીસને હાથ લાગી નથી. જો લાંબો સમય આ પ્રકરણમાં પસાર થયો તો સંભવ છે કે ભાનુશાળી પ્રકરણનો ભેદ ક્યારેય ઉકેલાશે નહીં. દરમ્યાન કચ્છ લડાયક મંચના નેતા રમેશ જોષીએ ડીજીપી શીવાનંદ ઝાને પત્ર લખી દાવો કર્યો છે કે, ભાનુશાળી પાસે સેક્સ સીડી સંબંધે મહત્વની જાણકારી હોવાને કારણે તેમની હત્યા થઈ હતી અને તેના આરોપી પોલીસે પકડી લીધા છે. પરંતુ વાઈબ્રન્ટ ગુજરાત સમીટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ હોવાને કારણે પોલીસ તેમની સત્તાવાર ધરપકડ બતાડી રહી નથી. જો પોલીસ તેમની ધરપકડ બતાડશે નહીં તો આ મામલો તેમને કોર્ટમાં લઈ જવાની ફરજ પડશે. જેને લઇને સમગ્ર મામલો હવે ગરમાયો છે.