સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે….મિત્રો, હવે નવરાત્રિને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો પોતાની આરાધ્યાના આગમનની તૈયારી કરવા લાગ્યા છે પણ શુ મા એમ જ આવી જશે પગલા કરવા? ના, જો આપણે આમંત્રણ વગર કોઈ જગ્યાએ નથી જતા તો આ તો સમસ્ત સંસારની મા છે, એ કેવી રીતે આવે?? એટલે જ માઈભક્તો પોતાની માને નવરાત્રિ દરમિયાન પોતાના ઘેર પગલા કરવાનું આમંત્રણ આપવા તેમના પરમ ધામ આરાસુર એટલે કે અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. મા આદ્યશક્તિ પોતાને આમંત્રિત કરવા આવતા ભક્તોને પણ ખાલી હાથ પાછી નથી જવા દેતી અને એટલે જ પોતાના ભક્તોના થાક, તાપ અને સંતાપને હરવા આરાસુરમાં ભાદરવા સુદ નોમથી લઈને ભાદરવા સુદ પૂનમ સુધી મેળાનું આયોજન કરાવે છે.
લાખો માઈભક્તો મહિના પહેલાથી જ ભારતના ખૂણેખૂણેથી માતાજીના રથ, ડી.જે અને ધજાઓ લઈને નીકળી પડે છે. સૌપ્રથમ વાર આ યાત્રાની શરૂઆત ગુજરાતમાંથી થઈ હોવાની મનાય છે પરંતુ હાલની તારીખમાં નાસિક, ઈન્દોર અને ચેન્નાઈથી પણ લોકો પોતાના સંઘ સહિત માને નિમંત્રણ આપવા આવે છે. આરાસુર તરફના સમગ્ર રસ્તાઓ બોલ માડી અંબે..જય જય અંબેના નાદ સાથે અંબામય બની જાય છે અને મા પોતાના ભક્તોનો હરખ જોઈને પોતાના ગોખમાં બેઠી મંદ મંદ મલકાતી હોય છે. આખા રસ્તા દરમ્યાન આવનારા ગામ કે શહેરના લોકો પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું પણ આયોજન કરતા હોય છે જેમાં ચા- નાસ્તાથી માંડીને ટંક ભોજન અને પગ દબાવવાથી માંડીને શરીરની માલિશ સહિતની સેવાઓ માઈભક્તોને આપવામાં આવે છે.
આ યાત્રાનો ઈતિહાસ અનોખો છે. કહેવાય છે કે આ યાત્રા 175 વર્ષ પહેલા દાંતાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. દાંતાના રાજવી ભીમસિંહજીને પચાસ વર્ષની આયુ વીતવા છતા શેર માટીની ખોટ હતી. ત્યારે ગોઝારિયાના એક માઈભક્ત ભૂવાજી રામસિંગ રાયકાજી પાસે સલાહ માંગતા ભૂવાજીએ તેમને તેમના કુળદેવી વિશે પૂછ્યું જેના વિશે રાજમાતા અજાણ હતા. ભૂવાજીએ જણાવ્યું કે કુળદેવીને ભૂલી જવાથી મા નારાજ છે. પરંતુ જેમને પોતાના કુળદેવીની જાણ ન હોય તેઓ મા અંબાને પોતાના કુળદેવી તરીકે સ્વીકારીને પોતાની ભક્તિથી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ રાજવીજી પોતાના સમગ્ર પરિવાર સાથે પ્રથમ વાર અંબાજી પગપાળા આવ્યા, માને વિનંતી કરી અને માએ તે જ વર્ષે તેમને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. ત્યારબાદ આ યાત્રા પ્રતિવર્ષ શરૂ થઈ. આમ અંબાજી મંદિર પ્રાગ ઐતિહાસિક હોવાનું મનાય છે, પરંતુ મંદિરની વેબસાઈટ પરથી અંદાજે 1200 વર્ષ પ્રાચીન હોવાનું જણાઈ રહ્યું છે.
બીજી એક વાયકા પ્રમાણે ઈ.સ. 1840માં એટલે કે લગભગ આજથી 178 વર્ષ પહેલાં અમદાવાદમાં જ્યારે પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે તેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. પ્લેગના ભરડામાં લોકોને મરતા જોઇને શેઠ શ્રી હઠીસિંહે મા અંબાને પ્રાર્થના કરી હતી અને રોગમાંથી મુક્તિ મળે તો અંબાજી ચાલતા આવી દર્શન કરવાની બાધા રાખેલી. ‘મા’ ના હૃદય સુધી જાણે પ્રાર્થના પહોંચી ગઇ, પ્લેગની મહામારી ધીમે-ધીમે બંધ થઇ ગઇ. માની આ કૃપા જ કામ કરી ગઇ. હઠીસિંહની શ્રદ્ધા બળવત્તર બની અને તેમણે ચાલતા જ ભાદરવી પૂનમના રોજ માના ધામમાં પહોંચી દર્શન કર્યાં હતાં. આ સાત દિવસમાં 25 થી 30 લાખ માઇભક્તો માતાજીના ધામમાં પહોંચી વંદન કરે છે.
આ મંદિરની ખાસિયત એ છે કે અહીં સાતેય દિવસ માતાજી અલગ અલગ સવારી પર બિરાજતાં જોવા મળે છે.અહી માં અંબાની રવિવારે વાધની સવારી, સોમવારે નંદી, મંગળવારે સિંહની, બુધવારે ઐરાવત હાથીની, ગુરૂવારે ગરુડની, શુક્રવારે હંસની અને શનિવારે હાથીની સવારી સાથેના સાત વિરાટ સ્વરૂપોના દર્શન, ૫૧ શક્તિપીઠના મુર્તિ સ્વરૂપોના સ:શ્લોક દર્શન થાય છે. આજે ત્યાં માતાજીના પ્રાચીન મંદિરની જગ્યાએ આરસપહાણના પથ્થરથી ભવ્ય મહેલ બંધાયો છે. વેદોમાં જણાવ્યા મુજબ તો આ મંદિર અતિ પ્રાચીન છે. અહીં ગર્ભગૃહમાં માતાજીને જ્યારે વિવિધ શણગારોથી સજાવવામાં આવે છે ત્યારે તે અત્યંત સોહામણી લાગે છે. અહીં કોઈ પણ પ્રકારના ધાતુની પ્રતિમા નથી પણ એક ગોખ છે જ્યાં સોનાથી મઢાયેલુ વીસાયંત્ર મુકવામાં આવેલું છે. આ વીસાયંત્રને માતાજીના વસ્ત્રાલંકારો વડે એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શનાર્થીઓને માઁ અંબા પોતાના વાહન પર આરૂઢ હોય તેવો આભાસ થાય છે. આ વીસાયંત્રની પૂજા દાંતા નરેશના વંશનો પૂજારી જ કરે છે, અને તે પણ આંખે પટ્ટી બાંધીને. કહેવાય છે કે આ વીસાયંત્રને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી અને ન તો તેનો ફોટો પાડવાની પરવાનગી આપે છે.
આ સિવાય ગુજરાતના જે માઈભક્તો આરાસુર જવા સક્ષમ નથી તેઓ એકાદ બે રાત પહેલા નીકળીને ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિયોડ મુકામે અથવા મહુડીથી આશરે 14 કિમી દૂર આવેલા પેઢામલી ગામે આવેલા મા અંબાના મંદિરે મુલાકાત કરીને માને આમંત્રણ આપે છે, જેને લોકો મિની અંબાજી તરીકે ઓળખે છે. સુરતના લોકો અઠવા ગેટ વિસ્તારમાં આવેલા અંબિકાનિકેતન અથવા શહેરની મધ્યમાં આવેલ અંબાજી રોડ ખાતે આવેલ મંદિરે મુલાકાત લઈ પોતાની જાતને ધન્ય માને છે.
તો ચાલો સહુ અંબાજી જઈએ… બોલ માડી અંબે… જય જય અંબે..