સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા ટૂંક સમયમાં જ ફરી એકવાર સાથે દેખાશે. ‘હંસી તો ફસી’ ફિલ્મમાં સાથે દેખાઈ ચૂકેલી આ જોડી હવે બની ગઈ છે ‘જબરિયા જોડી’.
સિદ્ધાર્થ અને પરિણીતીની અપકમિંગ ફિલ્મ ‘જબરિયા જોડી’નું શૂટિંગ લખનઉમાં શરૂ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મથી જાવેદ જાફરી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યા છે. ફિલ્મ જબરિયા જોડીમાં જાવેદ જાફરી સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાની ભૂમિકામાં દેખાશે.
પોતાના રોલ વિશે વાત કરતા જાવેદ જાફરીએ કહ્યું,’ફિલ્મમાં મારું પાત્ર બિહારના એક ગેન્ગસ્ટરનું છે. આ એક ખૂબ જ રસપ્રદ, વાસ્તવિક અને મસ્ત કેરેક્ટર છે, જેનો સ્ટોરીમાં પણ મહ્તવનો ભાગ છે.’
પિતાના રોલ સ્વીકારવા અંગે જાવેદ જાફરીનું કહેવું છે કે, ‘મોટી સ્ક્રીન પર પિતાનો રોલ સ્વીકારતા સમયે મને કોઈ શંકા નહોતી, મારું માનવું છે કે આ કંઈક નવું કરવાનો સમય છે.’
એક્તા કપૂર, શૈલષ આર સિંહના પ્રોડક્શનમાં બની રહેલી ‘જબરિયા જોડી’ની સ્ટોરી બિહારમાં સ્થિત એક એવા વ્યક્તિની છે, જે પોતાના બાળપણના પ્રેમ પરિણીતી સાથે મળીને વરરાજાના અપહરણનો ધંધો કરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મમાં એક નાના શહેરના બિહારી વ્યક્તિના રોલમાં છે, જ્યારે પરિણીતી ચોપરાનો રોલ વેસ્ટથી પ્રેરિત છે, પરંતુ તેમનું પાત્ર પટનાની બહાર નીકળવામાં સફળ નથી થતું.
આ ફિલ્મ સાથે પ્રશાંતસિંહ ડિરેક્ટશનમાં ડેબ્યુ કરી રહ્યા છે. પ્રશાંતસિંહના કહેવા મુજબ આ રોમ કોમ ફિલ્મનો વિચાર સંજીવ જાએ આપ્યો હતો, જેમણે ફિલ્મમાં રાજ શાંડિલ્ય સાથે સ્ક્રીપ્ટ પણ લખી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા અંગેના સવાલમાં જાવેદ જાફરીએ કહ્યું, ‘સિદ્ધાર્થ સાથે કામ કરવાનો અનુભવ અદભૂત છે. તેમનું વ્યક્તિત્વ શાનદાર છે, તેમને પોતાના પાત્રમાં ઢળતા જોઈને હું ચોંકી ગયો હતો. ફિલ્મમાં પિતા-પુત્રની કેમેસ્ટ્રી જબરજસ્ત છે. ડિરેક્ટર પ્રશાંત સિંહે ફિલ્મને એન્ટરટેઈનર બનાવવામાં કોઈ કસર નથી છોડી’.
ઉલ્લેખનીય છે કે બાલાજી મોશન પિક્ચર્સ અને શૈલેષ સિંહની કર્મા મીડિયા નેટ બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.