યુનિવર્સિટી વિવાદ :  સપાના સેંકડો કાર્યકરોના દેખાવ શરૂ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

રામપુર : સમાજવાદી પાર્ટીના સાંસદ  આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને લઇને વહીવટીતંત્રની કાર્યવાહી બાદ જોરદાર વિરોધ થઇ રહ્યો છે. રામપુરમાં તંગદીલી વધી રહી છે. આજે સવારે મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના નેતા અને કાર્યકર રામપુર પહોંચવા લાગી ગયા છે. બીજી બાજુ હિંસાને રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સરહદો સીલ કરવામા આવી છે. પોલીસે મંગળવારના દિવસે યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા હતા અને ૧૦૦થી વધુ એવા પુસ્તકો જપ્ત કરી લીધા હતા જે મદરેસા સાથે જોડાયેલા છે. ત્યારબાદ આજે પણ વ્યાપક દરોડાની કાર્યવાહી જારી રહી હતી. પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાને અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ લોકલ ડીએસપી દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા.

તેમની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી. રામપુરમાં સિવિલ લાઇનમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અબ્દુલ્લા આઝમ ખાને બોગસ દસ્તાવેજોના આધાર પર પાસપોર્ટ બનાવ્યા છે. ભાજપના નેતા આકાશ સક્સેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.અબ્દુલ્લાની સામે મંગળવારના દિવસે બોગસ વય પ્રમાણપત્ર લગાવીને પાસપોર્ટ હાંસલ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

આ આક્ષેપ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. રિપોર્ટના કહેવા મુજબ પોલીસ જોહર યુનિવર્સિટીમાં પુસ્તકોના ચોરીના મામલામાં દરોડા પાડી રહી છે. યુનિવર્સિટીની સામે એક સ્થાનિક મદરેસાએ એવી ફરિયાદ કરી હતી કે, મોટી સંખ્યામાં હસ્તલીપી અને સદીઓ જુના પુસ્તકો મદરેસામાંથી ચોરી કરી લેવામાં આવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર ૧૬મી જૂનના દિવસે દાખલ કરવામાં આવી હતી. એવા આક્ષેપ છે કે, આ પુસ્તકો જોહર યુનિવર્સિટીમાં છે.

Share This Article