અમદાવાદઃ TiE ગ્લોબલ, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે, ત્યારે TiE અમદાવાદના પાસ્ટ પ્રેસિડેન્ટ અને YJ ત્રિવેદી એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર જતીન ત્રિવેદી બે વર્ષ માટે TiE ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ચૂંટાયા છે. 1લી જાન્યુઆરી 2025 થી 31મી ડિસેમ્બર, 2026 સુધી તેમનો કાર્યકાળ રહેશે. આ પ્રતિષ્ઠિત વૈશ્વિક નેતૃત્વ સંસ્થામાં ગુજરાતમાંથી જતીન ત્રિવેદી પ્રથમ પ્રતિનિધિ બન્યા છે. હરીશ મહેતા, સૌરભ શ્રીવાસ્તવ, નારાયણ મૂર્તિ, સી. પ્રહલાદ સહિતનાએ અગાઉ TiE ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સેવા આપી હતી. ગુજરાતના પ્રથમ પ્રતિનિધિ જતીન ત્રિવેદીની પસંદગી,વૈશ્વિક ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપમાં પ્રદેશની વધતી જતી આગવી ઓળખને દર્શાવે છે.
પોતાની પસંદગી અંગે વાત કરતા જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “TiE ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં અમદાવાદ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ એક ગર્વની બાબત છે. 25 વર્ષના ઉદ્યોગસાહસિક અનુભવ અને ભારતની અનોખી ક્ષમતાની ઊંડી સમજ સાથે, હું દેશભરમાં TiEની હાજરીને વધારવા માટે પ્રતિબદ્ધ છું, અને વિશ્વભરના ચેપ્ટર્સ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપીશ.”
જતિન ત્રિવેદીએ વર્ષ 2022 થી 2024 દરમિયાન TiE અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી હતી, જે દરમિયાન તેમણે પ્રદેશમાં ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. TiE ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં જતીન ત્રિવેદીની ઐતિહાસિક પસંદગી બદલ અભિનંદન આપતાં, TiE અમદાવાદના પ્રેસિડેન્ટ ભાવિન એસ. ભગતે જણાવ્યું હતું કે: “TiE અમદાવાદના પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જતિન ત્રિવેદીએ ઇકોસિસ્ટમને આગળ વધારી, યુવાનોને પ્રોત્સાહન આપી અને સ્થાનિક નેટવર્કમાં 120% વૃદ્ધિ હાંસલ કરી હતી. હાલના વર્ષોમાં તેમની સાથે કામ કરીને મેં તેમના નેતૃત્વને ખૂબ જ નજીકથી જોયું છે, વૈશ્વિક બોર્ડમાં તેમના નામની પસંદગી યોગ્યતાને પાત્ર છે.”