અમદાવાદ : રાજકોટના જસદણ વિધાનસભા ચૂંટણીનો જંગ છેડાઈ ચુક્યો છે ત્યારે ગુરૂ-ચેલા તરીકે ઓળખાતા કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા સામસામે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા આજે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલાં કોંગ્રેસ દ્વારા જસદણમાં વિશાળ રેલી-સરઘસ અને જાહેરસભા યોજી જબરદસ્ત શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. કોંગ્રેસની રેલી અને સરઘસમાં લોકોની હાજરી જાઇ એક તબક્કે ભાજપની છાવણીમાં પણ જાણે સોપો પડી ગયો હતો, એટલા બધા લોકો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના સમર્થનમાં જાડાયેલા જાવા મળ્યા હતા.
તેનાથી પણ નોંધનીય વાત એ હતી કે, અવસર નાકિયાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. અવસર નાકિયાએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના મહાનુભાવોની હાજરીમાં જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું વિધિવત્ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે અવસર નાકિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક જનતા સાથે દ્રોહ કરનારા કુંવરજી બાવળિયાને જસદણની પ્રજા જાકારો આપશે અને કોંગ્રેસને જસદણની જનતા જીતાડશે. જસદણની જનતાના આશીર્વાદ કોંગ્રેસની સાથે હતા, છે અને રહેશે. જસદણની બેઠક પર કોંગ્રેસ જ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયની માથાપચ્ચી અને મથામણ બાદ કોંગ્રેસ દ્વારા જસદણના તેમના ઉમેદવાર તરીકે અવસર નાકિયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે અવસર નાકીયાએ પોતાના ગામ આસલપુરના રામજી મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ જસદણમાં વિશાળ જાહેરસભા સંબોધી હતી. નાકિયાએ દોઢ-બે કિલોમીટર લાંબી રેલી યોજીને દિગ્ગજોની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
અવસર નાકિયાને રેલી-સરઘસમાં ઉમટેલા લોકોનું ભારે સમર્થન જોવા મળતા ગુરૂ કરતા શિષ્ય સવાયો સાબિત થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શનને લઈને ભાજપની ઉચ્ચ નેતાગીરી પણ ફફડી ઉઠી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ તકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત-ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, લલીત વસોયા, લલીત કગથરા, બ્રીજેશ મેરજા તેમજ પ્રબળ દાવેદાર ભોળાભાઇ ગોહેલ ઉપરાંત અર્જુન ખાટરીયા, મહેશ રાજપૂત અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિતના સ્થાનિક આગેવાનો-હોદ્દેદારો હાજર રહ્યા હતા. બીજીબાજુ, કુંવરજી બાવળીયાથી નારાજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા હોવા છતાં નાકિયાની પડખે આવી ગયા છે અને બવાળીયાને હરાવવા અવસર નાકિયાની મદદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં હાઇ કમાન્ડ દ્વારા બંધબારણે જસદણના જંગની જવાબદારી રાજ્યગુરૂને સોંપવામાં આવી હોવાનું અને અવસર નાકિયાની પસંદગી તેમના ઈશારે કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જેને લઈને ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.