અમદાવાદ : જસદણ વિધાનસભાની પેટા ચુંટણી જાહેર થતાંની સાથે જ જસદણ મત વિસ્તારમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને લઇ જીલ્લા ચુંટણી પંચ પણ સક્રિય થઇ ગયું છે. પેટા ચુંટણી જાહેર થતાં રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા જસદણ વિસ્તારમાં ૫૦,૦૦૦ થી વધુ રોકડ રકમ ની હેરફેર પર પાબંધી લાદવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી આચારસિંહતાને લઇ ફલાઇંગ સ્કવોડ સહિત સમગ્ર તંત્ર દ્વારા ચેકીંગ, પેટ્રોલીંગ સહિતની કામગીરી તેજ અને કડક બનાવી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી પાબંદી હેઠળ ઉમેદવાર કે પક્ષ દ્વારા ચુંટણીના કામે લેવાતા વાહનની વિગત રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત રહેશે. ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો પ્રસિધ્ધ નહીં કરવા સહિતના ૧૦ જેટલા જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
પેટા ચુંટણીને ધ્યાને રાખી ચુંટણીપંચ દ્વારા ત્રણ ફ્લાઈંગ સ્કવોડ પણ બનાવવામાં આવી છે. સાથે જ ચુંટણી પંચ દ્વારા જસદણ વિસ્તારમાંથી ૧૧૦ પોસ્ટર , ૫૦ દીવાલ પરના લખાણો , ૫૮ બેનર અને ૧૩૪ અન્ય પ્રકારની સામગ્રી દુર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી જસદણ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી પ્રક્રીયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, જસદણ વિધાનસભા વિસ્તારની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને તા.૧-૧-૨૦૧૮ની સ્થિતિની મતદાર યાદી પ્રમાણે મતદાર મતદાન કરી શકશે. એટલે કે તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય અને મતદાન યાદીમાં નામ હોય તેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ પ્રકારની ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ સમિતિ, આદર્શ આચાર સંહિતા સમિતિ, એમસીએમસી, ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચાર સંહિતાની બાબતની સમજ આપતા કલેક્ટરશ્રીએ રાજકીય પક્ષોને તેનું પાલન કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને ખર્ચની બાબતમાં ચૂંટણી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા દરોના આધારે જે તે ઉમેદવારના વ્યક્તિગત ખાતામાં ચૂંટણીનો ખર્ચ ગણવામાં આવશે અને ઉમેદવાર માટે રૂ. ૨૮ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે તેવી જાણકારી પણ ડો. ગુપ્તાએ આપી હતી. તેમણે ઉમેદવારે ચૂંટણી માટેનું અલગથી બેંક ખાતુ ખોલવાની પ્રક્રિયા સમજાવી હતી. વિવિધ બાબતનો ભાવપત્રકો રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા. જસદણ વિસ્તારમાં રૂ. ૫૦ હજારથી વધુની રોકડ રકમની હેરફેર પ્રસંગે તે રકમ અંગેના જરૂરી આધાર પુરાવા, બિલો રાખવા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય અને એલર્ટ પર તૈનાત કરી દેવાયું છે.