અમદાવાદ : જસદણની પેટા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં ભારે પ્રતિષ્ઠા અને જંગ જીતવાનો માહોલ છવાયો ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા પણ જસદણની પેટા ચૂંટણીની તારીખો સોમવારે જાહેર કરાય તેવી શકયતા છે. સોમવારે ચૂંટણી પંચ પોતાનો નિર્ણય જાહેર કરી શકે તેવી સંભાવના છે, જેમાં તા.૭ અથવા તો, ૯ ડિસેમ્બરે મતદાન અને ૧૧મી ડિસેમ્બરે મતગણતરીની તારીખ જાહેર થવાની શકયતા સેવાઇ રહી છે તો, બીજીબાજુ, કોંગ્રેસમાંથી ભોળાભાઇ ગોહેલને ટિકિટ ફાળવાય તેવી શકયતા છે. જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે.
જેમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળે શકે તેવી શકયતા સેવાઇ રહી છે. તો, અવસરભાઇ નાકિયા પણ ટિકિટના પ્રબળ દાવેદાર છે. આ બન્નેમાંથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે જ બહાર આવશે. બીજીબાજુ, જસદણ પેટા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ હવે સોમવારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આગામી તા.૭ અથવા તા.૯ ડિસેમ્બરના રોજ મતદાન થઇ શકે છે અને ૧૧ ડિસેમ્બરના રોજ મતગણતરી થઇ શકે છે. ભાજપ માઇક્રોપ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો છે. જસદણમાં સંઘના જૂના જોગી અને જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. તો, બીજીબાજુ, ગમે તે ભોગે જસદણની બેઠક જીતવા કોંગ્રેસ પણ મરણિયું બન્યું છે કારણ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જતાં રહેતાં કોંગ્રેસ માટે આ બેઠક જીતવી જબરદસ્ત પ્રતિષ્ઠાનો સવાલ છે.