અમદાવાદ : જસદણ પેટા ચૂંટણીને લઇ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પરના પોતાના ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરી દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલી આપી છે. જેને પગલે હવે હાઇકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ ટૂંક સમયમાં જ જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાની શકયતા છે. પેનલમાં અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુ ધડક અને ગજેન્દ્ર રામાણીના નામોનો સમાવેશ હોવાનું જાણવા મળી રહ્યું છે. જા કે, અંતિમ નિર્ણય હાઇકમાન્ડ જ લેશે તેવું કોંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું. બીજીબાજુ, જસદણના જંગ પહેલાં જ આજે ભાજપને બહુ મોટો ફટકો વાગ્યો હતો. ભાજપ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેર વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જાડાયા હતા. તો મોડાસા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણી જગતસિંહ સહિત ૧૦૦ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જાડાઇ ગયા હતા. આમ, ભાજપને જસદણની ચૂંટણી પહેલાં જ પછડાટ ખાવાનો વારો આવ્યો છે. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જાડાનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે જસદણના જંગમાં કોળી મતદારો થકી કોંગ્રેસને જીતાડવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠકના મતદારોમાં કોળી સમાજનું ભારે પ્રભુત્વ અને મહત્વ છે અને લાલજી મેર કોળી સમાજના બહુ મોટા ગજાના નેતા અને આગેવાન હોઇ ભાજપને કોળી મતદારોને લઇ લાલજી મેર તરફથી બહુ આંચકાજનક ફટકો પડે તેવી દહેશત વ્યકત થઇ રહી છે. દરમ્યાન મોડાસા ખાતે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને મોડાસા-ધનસુરા તાલુકા કોંગ્રેસ અને શહેર સમિતિના સ્નેહમિલન કાર્યક્રમો યોજાયો હતો. અમિત ચાવડાનું મોડાસામાં ડીજેના તાલે બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરોની હકડેઠઠ ભીડ જોઈ કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર સામે આકરા ચાબખા માર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહ સંમેલનમાં ભાજપના ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણી જગતસિંહ સહિત ૧૦૦ ભાજપના કાર્યકરોએ કેસરિયો ખેસ ત્યજી કોંગ્રેસના પંજાનો હાથ પકડતા અમિત ચાવડાએ ખેસ પહેરાવી તેઓને કોંગ્રેસમાં આવકાર્યા હતા. સ્નેહ સંમેલનને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના મોટા મોટા ચૂંટણી વાયદાઓના લીધે સત્તામાં બેસાડ્યા હતા ત્યારે હાલ ખેડૂતો પાક ઉપજના ઓછા ભાવ, પાક વીમાની રકમ ચુકવામાં થતો અન્યાય, બેરોજગાર યુવાનોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો, મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો, દેશની આર્થિક હાલત કફોડી બનતા દેશવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાં પ્રાણ પુરાવા અને સંગઠન મજબૂત બને તે માટે તેમણે કાર્યકરોને હાકલ કરી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ભિલોડાના ડો. અનિલ જોષીયારા, બાયડના ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ, જીલ્લા પંચાયત પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખ નિશ્ચલ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.