અમદાવાદ : અમ્યુકો જનમિત્ર કાર્ડને લઇ એએમટીએસ બસમાં પ્રવેશવાની જૂની સીસ્ટમ હવે બદલાશે. દરરોજ રૂ. એક કરોડથી વધુ ખોટ કરતી એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ખાસ કરીને ખુદાબક્ષ પેસેન્જર્સ પર અંકુશ મુકવા કેટલીક બસના આગળ અને પાછળના દરવાજે ઓટોમેટિક સ્કેન મશીન ગોઠવાયાં છે. આ નવી સિસ્ટમ હેઠળ પેસેન્જર્સને આગળના દરવાજેથી બસમાં પ્રવેશ કરીને પાછળના દરવાજાથી ઉતરવાની નવી પ્રણાલિકાને આગામી દિવસોમાં અપનાવવી પડશે. એટલું જ નહી, જનમિત્ર કાર્ડને સ્કેન કર્યા બાદ પાછળના દરવાજે લગાવાયેલા પોલ વેલિડેટરમાં પણ સ્કેન કરવું પડશે.
હાલમાં પેસેન્જર્સ પાછલા દરવાજેથી પ્રવેશ મેળવીને આગળના દરવાજેથી ઊતરતા હોઇ નવી પ્રણાલીથી ટેવાવા માટે તંત્રને પણ જહેમત ઉઠાવવી પડશે. બીજા અર્થંમાં એએમટીએસના પેસેન્જરને વર્ષો જૂની પ્રથા આગામી દિવસોમાં બદલવી પડશે. તંત્ર દ્વારા શહેરમાં દરરોજ ૬પ૦ થી ૭૦૦ બસ રોડ પર મુકાય છે, પરંતુ એએમટીએસમાં ખાનગીકરણની બોલબાલા હોઇ સંસ્થાની માલિકીની માંડ ૧૦૦ બસ રોડ પર દોડે છે. ૬૦૦ જેટલી બસ ખાનગી ઓપરેટરોની હોઇ આ બસ દોડાવવા તંત્ર દ્વારા ખાનગી ઓપરેટરોને મોટી રકમ ચૂકવાય છે.,તેની સામે બસની આવક વધતી નથી. એક અંદાજ પ્રમાણે સંસ્થાનો દરરોજનો વકરો દિન-પ્રતિદિન ઘટતો હોઇ હવે માંડ રૂ. ર૭થી ર૮ લાખની આવક થાય છે. બીજી તરફ એએમટીએસ બસમાં ખુદાબક્ષ પેસેન્જરો વધ્યા છે. તાજેતરમાં સત્તાવાળાઓ દ્વારા જૂની પંચીંગ બોકસ ધરાવતી ટિકિટ ફાડવાની સિસ્ટમને બદલે નવી ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ અપનાવાઇ છે. જે અંતર્ગત પેસેન્જરને ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ઇટીએમ)થી કંડકટરો દ્વારા ટિકિટ અપાઇ રહી છે.
જેમાં પેસેન્જર્સના કવાર્ટરલી સિઝન પાસ સહિતના વિવિધ શ્રેણીના પાસની ચકાસણી ઉપરાંત જનમિત્ર કાર્ડ હેઠળ ટિકિટ અપાઇ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇટીએમએસ(ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ) પ્રોજેકટ હેઠળ આ નવી સિસ્ટમ અમલમાં મુકાઇ છે. જોકે હવે સત્તાધીશો આઇટીએમએસ પ્રોજેકટમાં આગળ વધ્યા છે. હાલમાં પ્રાયોગિક ધોરણે દસથી પંદર બસના આગળ અને પાછળના દરવાજે પોલ વેલિડેટર મશીન મુકાયા છે. આ નવીનતમ સિસ્ટમ હેઠળ આવી બસમાં પેસેન્જર્સને આગળના દરવાજેથી બસમાં પ્રવેશ મેળવી પોલ વેલિડેટરમાં પોતાના પાસની વેલિડિટી ચકાસવી પડશે. આ ઉપરાંત જનમિત્ર કાર્ડને સ્કેન કર્યા બાદ પાછળના દરવાજે લગાવાયેલા પોલ વેલિડેટરમાં સ્કેન કરવું પડશે. જેનાથી પેસેન્જર્સના મુસાફરીના કિલોમીટરના આધારે તેના જનમિત્રકાર્ડથી ભાડું કપાશે. જો કોઇ પેસેન્જર પાછલા દરવાજે મશીનમાં કાર્ડ સ્કેન કરાવ્યા વગર ઊતરશે તો બીજી વખતની મુસાફરીમાં નિયમ મુજબની પેનલ્ટી કપાશે. વિદેશમાં જાહેર પરિવહન સેવાની બસમાં પેસેન્જર્સને આગળના દરવાજેથી પ્રવેશ મેળવીને પાછળના દરવાજેથી ઊતરવાનું હોય છે. આગળના દરવાજા પર પોલ વેલિડેટર લગાવવાથી ડ્રાઇવરની પેસેન્જર પર ટિકિટ લેવાના મામલે નજર પણ રહેશે અને તેનાથી ખુદાબક્ષ પેસેન્જર્સનું પ્રમાણ ઘટશે. હાલ પૂરતી નવી સિસ્ટમના પોલ વેલિડેટર આવકની દૃષ્ટિએ ડી કેટેગરીમાં આવતા રૂટમાં લગાવાયા છે. જે બસ રૂટ પર રોજની આવક રૂ.૧પ૦૦ થી રૂ.ર૦૦૦ થાય છે તેવા બસ રૂટની ગણતરી ડી કેટેગરીમાં થાય છે. આમ, નવી સીસ્ટમ માટે મુસાફરોએ પણ કેળવાવું પડશે.