અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા ગત તા.૧થી તા.૩૦ સપ્ટેમ્બર સુધી રૂ.પ૦ અને રૂ.૭પની કિંમત ધરાવતાં જનમિત્રકાર્ડ મફતમાં આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે તંત્રની અન્ય જાહેરાતની જેમ આવા ઢોલની પણ પોલ ખુલી ગઇ છે. દસ-દસ દિવસ પછી પણ હજુ લોકોને જનમિત્ર કાર્ડ મળતા નથી, જેને લઇ બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા ઇચ્છતા મુસાફરો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયા છે, તેને લઇ આવા મુસાફરોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અમ્યુકો તંત્રની જનમિત્ર કાર્ડને લઇ કરાયેલી મસમોટી જાહેરાતો પોકળ અને ઠાલી સાબિત થઇ હોવાથી અમ્યુકો તંત્ર પણ કફોડી હાલતમાં મૂકાયું છે.
જનમિત્ર કાર્ડ અંગેની જાહેરાત પછી પણ આજે નાગરિકોને દસ-દસ દિવસે પણ આઇસીઆઇસીઆઇ બેન્ક, સિવિક સેન્ટર અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જનમિત્રકાર્ડ મેળવવામાં અનેક તકલીફો પડી રહી છે. તેમાં પણ જે તે મુસાફરનાં નામ-તસવીર સાથેના જનમિત્રકાર્ડના મામલે તો સંબંધિત સ્ટાફ દ્વારા રીતસરનો નન્નો ભણાવાય છે. બીજી તરફ મફત મળતાં ફોર્મ માટે પણ પાંચ રૂપિયા લેવાઇ રહ્યાં છે. અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ બીઆરટીએસના મુસાફરો માટે ગત તા.૧ સપ્ટેમ્બરથી ફરજિયાત કરવાની જાહેરાત કરતાં તેનાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેને પગલે ભાજપના શાસકો દ્વારા પારોઠનાં પગલાં ભરીને બીઆરટીએસમાં જનમિત્રકાર્ડ ફરજિયાત નહીં બનાવાય તેવી તા.૩૧ ઓગસ્ટે મીડિયા સમક્ષ નવી જાહેરાત કરી હતી. તે વખતે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં તા.૩૦ સપ્ટેમ્બર સુધી આઇસીઆઇસીઆઇ બેન્કની તમામ શાખાઓ બીઆરટીએસના બસ સ્ટેશન, સિવિક સેન્ટર તેમજ એએમટીએસના નિર્ધારિત કરેલા સ્ટેન્ડ સહિત ૩પ૦ સ્થળોઓથી જે તે વ્યક્તિનાં નામ અને તસવીર સાથેના રૂ.૭પનાં પર્સનાઇઝડ કાર્ડ અને નામ વગરનાં રૂ.પ૦ના નોન-પર્સનાઇઝડ કાર્ડને મફતમાં આપવાની નિર્ણય લેવાયો હતો.
બીઆરટીએસ, સિવિક સેન્ટર, એએમટીએસ તેમજ મેટ્રો રેલ વગેરેના નાણાકીય વ્યવહાર ‘કેશલેસ’ કરવાની દિશામાં લોકોને પ્રોત્સાહિત કરવા એક મહિના સુધી જનમિત્રકાર્ડ મફતમાં અપાઇ રહ્યાં છે પરંતુ આમાં અનેક પ્રકારનાં ધાંધિયાં જોવા મળ્યાં છે. આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જનમિત્રકાર્ડ તૈયાર કરાઇ રહ્યાં છે પરંતુ આજે દસ દિવસ બાદ પણ આ બેન્કની મોટાભાગની શાખામાં જનમિત્રકાર્ડ પહોચ્યાં નથી જેના કારણે કાર્ડ કઢાવવા બેન્કમાં જનારા નાગરિકોને નિરાશ થવું પડે છે. સિવિક સેન્ટરમાં પણ ત્યાંના ‘ઇઝી પે મશીન’ની ધીમી કામગીરીથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે.
ખોટકાયેલાં ‘ઇઝી પે મશીન’ના કારણે જનમિત્રકાર્ડધારકને કાર્ડનો ‘ઓટીપી’ નંબર પણ મળતો નથી. પરિણામે તેમનાં કાર્ડ નીકળતાં નથી. ઉપરાંત અનેક સિવિક સેન્ટરોમાં નામ વગરનાં રૂ.પ૦ની કિંમતનાં કાર્ડ જ કાઢવામાં આવે છે. તંત્ર દ્વારા નામ સાથેનાં રૂ.૭પની કિંમતનાં કાર્ડ પણ મફતમાં અપાશે તેવી જાહેરાત કરાઇ હોવા છતાં સિવિક સેન્ટરનો સ્ટાફ રૂ.૭પના કાર્ડ માટે ચોખ્ખા શબ્દોમાં ઇન્કાર કરે છે. એટલે આ કાર્ડ તો નીકળતાં જ નથી. તો, અનેક બીઆરટીએસ બસ સ્ટેશન પરના બુકિંગ કલાર્ક મુસાફરોને કાર્ડના મામલે ગેરમાર્ગે દોરી રહ્યા છે.
બીઆરટીએસ સ્ટેશન પર પણ રૂ.૭પનાં કાર્ડ માટેનાં ફોર્મનું વિતરણ કરાતું નથી. જેના કારણે મુસાફરોને ફરજિયાત રૂ.પ૦નાં નામ વગરનાં કાર્ડ લેવાં પડે છે. તેમાં પણ બીઆરટીએસ માટે વિદ્યાર્થીકાર્ડના ફોર્મ પણ નિઃશુલ્ક કરાયાં છે. તેમ છતાં કેટલાક બીઆરટીએસ સ્ટેશન પર વિદ્યાર્થીના હાથમાં રૂ.પાંચની લગેજ ટિકિટ પકડાવ્યા બાદ જ વિદ્યાર્થીકાર્ડનું ફોર્મ અપાઇ રહ્યું છે. જ્યારે આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી જનમિત્રકાર્ડ નાગરિકોને નિઃશુલ્ક અપાશે તેવી તંત્ર ઉત્સાહભેર જાહેરાત કરી હતી. દરમ્યાન જનમિત્રકાર્ડના મામલે થયેલા ધાંધિયાં અંગે ઇ-ગર્વનન્સનો હવાલો સંભાળતા મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ શંકરે જનમિત્રકાર્ડની અછત, સિવિક સેન્ટરમાં ઇઝી પે મશીનની સમસ્યા, બીઆરટીએસ સ્ટેશન પર વિદ્યાર્થી ફોર્મ માટે ઉઘરાવવામાં આવતા રૂ.પાંચ સહિતની બાબતોનો નિખાલસ સ્વીકાર કર્યો હતો. તેમણે ટૂંક સમયમાં જ આ સમસ્યાઓ ઉકેલવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.