મમતા બેનર્જીના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમુળ કોંગ્રેસ વચ્ચે આ વખતે સીધી સ્પર્ધા થનાર છે. બંગાળની કુલ ૪૨ સીટો પૈકીની ૨૨ પ્લસ સીટો જીતવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહે આક્રમક તૈયારી કરી લીધા બાદ મુખ્યપ્રધાન અને ટીએમસીના નેતા મમતા બેનર્જી પણ ટક્કર લેવા માટે નવી રણનિતી શોધી રહી છે. બંગાળની રાજનીતિ પર નજર રાખી રહેલા મોટા ભાગના રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ વખતે સ્પર્ધા મમતા બેનર્જીની પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આ મોટા પક્ષની લડાઇમાં એકબાજુ કોંગ્રેસ પાર્ટી સ્પર્ધાને ચતુષ્કોણીય બનાવી દેવા માટે ઇચ્છુક છે.
જ્યારે બીજુ બાજુ ભારતીય જનતા પાર્ટી આક્રમક ઇરાદા સાથે તમામ તાકાત બંગાળમાં લગાવી રહીછે. મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિતના તમામ સ્ટાર પ્રચારકો અહીં ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આ પ્રકારની જારદાર સ્થિતી વચ્ચે હાલમાં ખતમ થવાના આરે પહોંચી ગયેલા ડાબેરીઓ તેમના અસ્તિત્વની લડાઇ લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એવી જ દેખાઇ રહી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ સ્પષ્ટ પણે માને છે કે જો પાર્ટી મિશનમાં સફળ રહેશે તો દિલ્હીની સત્તા હાંસલ કરવાની બાબત તેમના માટે ખુબ સરળ બની જશે. વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી મમતાની સામે જોરદાર રીતે ઉભી થઇ જશે. બંગાળ કોઇ સમય ડાબેરીઓના ગઢ તરીકે રહ્યા બાદ મમતાએ તેમના શાસનનો અંત આણ્યો હતો. સમય બદલાઇ ગયાબાદ રાજ્યની રાજનીતિ પણ બદલાઇ ગઇ હતી. સૌથી મોટા ફેરફાર એ થયા છે કે બંગાળમાં હવે ડાબેરીઓ તો ફેંકાઇ ગયા છે પરંતુ મમતાની સામે ભાજપે મોટી સમસ્યા ઉભી કરી દીધી છે. રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીએ તેમની સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ મજબુત કરી છે. ડાબેરીઓ જુની નીતિના કારણે આ મુદ્દા પર લડી રહી છે.
દીદીના નામથી લોકપ્રિય તૃણમુળ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીનુ પ્રભુત્વ દેખાઇ રહ્યુ છે. પંચાયતથી લઇને વિધાનસભા સુધી તૃણમુળ કોંગ્રેસના ધ્વજ જાવા મળી રહ્યા છે. આસપાસ કોઇ પાર્ટી નજરે પડી રહી નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ અને ડાબેરીઓને પછડાટ આપીને હરિફ પાર્ટી બની રહી છે. જો કે બંને વચ્ચે અંતર હજુ પણ ખુબ વધારે છે. આવી સ્થિતીમાં શાહ જો ૨૨ સીટના મિશન સુધી પહોંચી જશે તો મમતા બેનર્જીની વિદાય પણ નિશ્ચિત બની શકે છે. આ અંતરને દુર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ જારદાર તૈયારી જારી રાખી છે. મમતા બેનર્જી તેમની રાજકીય તાકાતને જાળવી રાખવા માટે પણ મથામણ કરી રહ્યા છે. એક પાર્ટી હિન્દુ મતને તેમની સાથે રાખવા માટે દરેક દાવપેંચ રમી રહી છે. બીજી બાજુ મમતાની પાર્ટી પ્રદેશમાં ૨૮ ટકા મુસ્લિમોને પોતાની તરફેણમાં રાખવા માટે પ્રયાસ કરી રહી છે. બંને પાર્ટીઓની આ રાજનીતિના કારણે રાજકીય માહોલ બદલાઇ રહ્યોછે. પ્રદેશની રાજનીતિ હવે હિન્દુ અને મુસ્લિમ એમ બે સ્તર પર આવી ગઇ છે. ડાબેરીઓને તેમના અસ્તિત્વને જાળવી રાખવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. ડાબેરીઓને જન સમર્થન મળી રહ્યુ નથી.
સંગઠનના સહારે ડાબેરીઓ અને રાહુલ ગાંધીના ભરોસે કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે. વિપક્ષી દળોને એક મંચ પર લાવવા માટેના પ્રયાસ મમતા બેનર્જી છેલ્લા કેટલાક સમયથી કરતા રહ્યા છે. ઐતિહાસિક બ્રિગેડ મેદાન ખાતે ૧૯મી જાન્યુઆરીના દિવસે વિપક્ષી દળોના ૨૪ નેતા એક મંચ પર આવ્યા હતા. હકીકતમાં મમતાની નજર કેન્દ્ર પર પણ છે. બીજી બાજુ ભાજપની નજર બંગાળ પર છે. મમતાની ૪૨ પૈકી ૪૨ સીટો જીતવાની ગણતરી છે. ભાજપ ૪૨ પૈકી ૨૨ પ્લસ સીટો જીતવા માટે ઇચ્છુક છે. બાજપ તરફથી મોદી, શાહ અને યોગીની ત્રિપુઠી પ્રચાર માટે મેદાનમાં ઉતરી ચુકી છે. કોંગ્રેસ માટે રાહુલ ગાંધી મેદાનમાં ઉતરી ચુક્યા છે. ડાબેરીઓ પોતાની રીતે આગળ વધવા માટે ઇચ્છુક છે.