નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે માહોલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હવે ત્રણ સ્વતંત્ર નિરિક્ષકોની નિમણૂંક કરી છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ટીમે ચૂંટણી પંચને કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતી લોકસભા ચૂંટણી બાદ ચૂંટણી કરાવી શકાય તેવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને રાજ્ય વહીવટીતંત્ર દ્વારા ટ્યુરિસ્ટ સિઝન, રમઝાન અને પહેલી જુલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને ટાંકીને કહ્યુ છે કે ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે યોજી શકાય છે. કેન્દ્રિય ચૂંટણી પંચે ૨૬મી એપ્રિલના દિવસે મહત્વપૂર્ણ બેઠક આ સંબંધમાં કરી હતી. જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કરાવવા માટે સુચન કર્યુ હતુ. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નવેમ્બર મહિનામાં કરાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમરનાથ યાત્રા માટે ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાની જરૂર છે. સુરક્ષા દળોની તૈનાતી કરવી પડશે. યાત્રા દરમિયાન હમેંશા હાઇ થ્રેટ એલર્ટ રહે છે.
આના માટે વ્યવસ્થા ખુબ પહેલા કરવામાં આવે છે. ચૂંટણી પંચ જમ્મુકાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને આ સપ્તાહમાં અંતિમ નિર્ણય કરી શકે છે. જે ત્રણ નિષ્ણાંતોની નિમણૂંક કરવામાં આવી હતી તેમાં વર્ષ ૧૯૭૭ની બેંચના નિવૃત આઇએએસ અધિકારી નુર મોહમ્મદ, વર્ષ ૧૯૮૨ની બેંચના નિવૃત આઇએએસ અધિકારી વિનોદ જુત્શી અને વર્ષ ૧૯૭૨ની બેંચના નિવૃત આઇપીએસ અધિકારી એએસ ગીલ ચૂંટણી પંચને પોતાનો હેવાલ ૧૫મી એપ્રિલના દિવસે સોંપી દીધો હતો.