શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શોપિયાની સાફનગરીમાં આજે સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષા દળોએ સફળ ઓપરેશન પાર પાડીને બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ બંને ત્રાસવાદીઓ મોહમ્મદ ઇદરીસ સુલ્તાન અને આમીર હુસેન તરીકે ઓળખાયા છે. બંને ત્રાસવાદી હિઝબુલ સાથે જાડાયેલા હોવાની માહિતી મળી છે. ઠાર કરવામા આવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા છે. આ પહેલા જ શોપિયામાં જ વધુ બે ત્રાસવાદી ઠાર થયા હતા. શનિવારના દિવસે શોપિયામાં બે ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
સોમવારના દિવસે મધ્ય કાશ્મીરના ગાંદરબાલ જિલ્લામાં બપોરે રાષ્ટ્રીય રાઇફ્લ્સના જવાનોએ બાકુરા વિસ્તારમાં મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મારફતે ત્રાસવાદીઓ સંબંધમાં માહિતી મળી ગયા બાદ સેનાએ એસઓજીના જવાન સાથે મળીને ઓપરેશન હાથ ધર્યુ હતુ. પુલવામાના ત્રાલ વિસ્તારમાં પણ સેનાએ એક ત્રાસવાદીને ઠાર કર્યો હતો. પાકિસ્તાની ત્રાસવાદીઓ સેનાના ઓપરેશન ઓલઆઉટ વચ્ચે તેમની હાજરી પુરવાર કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેતા પહેલા સેનાએ મોટા પાયે શોધખોળ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરતા બંને ત્રાસવાદીઓ ફુંકાયા હતા. હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળો હાલમાં મોટા પાયે ઓપરેશનમાં સફળતા હાંસલ કરી રહ્યા છે.