જમ્મુ કાશ્મીરમાં રક્તપાત સર્જવા ૨૫૦ ત્રાસવાદીઓ સુસજ્જ થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શ્રીનગર:  જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીને રક્તરંજિત બનાવવાની તૈયારી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે ૨૫૦થી પણ વધારે ત્રાસવાદીઓ સજ્જ થયા છે. સ્થાનિક ચૂંટણીના એક દિવસ પહેલા જ પાકિસ્તાન દ્વારા અંધાધૂંધી ફેલાવવા માટેના કાવતરાનો પર્દાફાશ થયો છે. સેનાના એક અધિકારીએ કહ્યું છે કે, ખીણમાં હજુ પણ ૩૦૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે અને આશરે ૨૫૦ ત્રાસવાદી લોંચપેડ પર સરહદ પાર કરવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. કુપવારાના કેરન સેક્ટરમાં મિડિયા સાથે વાતચીત કરતા લેફ્ટી જનરલ એકે ભટ્ટે કહ્યું છે કે, કાશ્મીર ખીણમાં ૩૦૦થી પણ વધારે ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. સરહદ પારથી અને એલઓસી નજીક પાકિસ્તાની ટેરર લોંચપેડ પર ૨૫૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આ ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરીને આતંકવાદી ગતિવિધિને અંજામ આપી શકે છે. આ અહેવાલ આવ્યા બાદ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સેનાને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આતંકવાદીઓના ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે સેના અને સુરક્ષા દલો તૈયાર છે. આતંકવાદી હુમલાની શંકાને ધ્યાનમાં લઇને આર્મી, પોલીસ સીઆરપીએફ સહિત તમામ સુરક્ષા દળોએ પોતાની સક્રિયતા વધારી દીધી છે.

બીજી બાજુ પેટ્રોલિંગની પ્રક્રિયા તીવ્ર કરવામાં આવી છે. ત્રાસવાદીઓને ખીણમાં ઘુસતા રોકવા આર્મીએ પોતાની તકેદારીને વધારી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં આવતીકાલથી ચાર તબક્કામાં સ્થાનિક ચૂંટણીની શરૂઆત ઇ રહી છે. આને લઇને પણ સુરક્ષા વધારવામાં આવી રહી છે. ચૂંટણીને શાંતિપૂર્ણરીતે પાર પાડવા મોટા પડકારો ઉભા થયા છે. સુરક્ષા દળોને ચકાસણીની પ્રક્રિયા તીવ્ર કરવા કહેવામાં આવ્યું છે. વાહનોની ચકાસણીની સાથે સાથે શંકાસ્પદો ઉપર નજર રાખવા કહેવામાં આવ્યું છે. સુરક્ષાને મજબૂત કરવા માટે ચેકપોઇન્ટની સંખ્યા વધારવામાં આવી છે. ડોગ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

નાની નાની ટુકડી બનાવીને શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. મોટાભાગના ઉમેદવારોને સુરક્ષિત સ્થળો ઉપર રાખવામાં આવ્યા છે. કેટલાકને ખાસ સુરક્ષા પણ આપવામાં આવી છે. ઓપરેશન મારફતે વિસ્તારમાં સુરક્ષિત રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે. જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીનો મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી અને નેશનલ કોન્ફરન્સ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હોવા છતાં ચૂંટણીને લઇને ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ચાર તબક્કામાં યોજાનારી સ્થાનિક ચૂંટણીને લઇને તંત્ર સામે મોટો પડકાર છે. જમ્મુ કાશ્મીરમાં હાલ ગવર્નર શાસન છે.

Share This Article