નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં જારી રાજકીય હલચલની વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેની ભલામણ કરી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન વચ્ચે રાજ્યસભામાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મામલે સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો.
અમિત શાહ સંકલ્પ પત્ર જારી કરી રહ્યા હતા ત્યારે હોબાળો થયો હતો. કલમ ૩૭૦ દુર કરવાના મુદ્દે રાજ્યસભામાં જોરદાર હોબાળો શરૂ થયા બાદ કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. લડાખને અલગ કેન્દ્રશાશિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રહેશે. કલમ ૩૭૦ દુર કરવામાં આવ્યા બાદ કેટલાક લાભ થનાર છે. રાજ્યને કેન્દ્રશાશિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. અગાઉ સવારમાં બેઠકોનો દોર જારી રહ્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવા માટેની પ્રક્રિયા હવે શરૂ થઇ ગઇ છે.
કેન્દ્રિય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક આજે સવારે શરૂ થઇ હતી. જેના પર તમામની નજર હતી. જે આશરે ૪૦ મિનિટ સુધી ચાલી હતી. મોડેથી રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરીને માહિતી આપવામાં આવી હતી. અમિત શાહે જાહેરાત કરી હતી કે જે દિવસે રાષ્ટ્પતિ દ્વારા ગેજેટ નોટિફિકેશન સ્વીકાર કરી લેવામાં આવશે તે દિવસથી બંધારણની કલમ ૩૭૦ (૧) ઉપરાંત અન્ય કોઇ ખંડ લાગુ થશે નહીં. વિપક્ષી પક્ષો તરફથી જોરદાર ધાંધલ ધમાલ કરવામાં આવતા કાર્યવાહી મોકુફ કરી દેવામાં આવી હતી. શાહે કહ્યુ હતુ કે અમે જે ચાર સંકલ્પ લઇને આવ્યા છીએ તે કાશ્મીર મુદ્દા પર છે. તેમણે કહ્યુ હતુ કે સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરવા માટેની ભલામણ કરી દીધી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે જમ્મુકાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતી છે. ગઇકાલે પણ રાજકીય હલચલના દોર વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ટોપના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અમિત શાહની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને ગૃહસચિવ રાજીવ ગોબા ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ એડિશનલ સેક્રેટરી (જમ્મુ કાશ્મીર ડિવિઝન) જ્ઞાનેશ કુમાર પણ અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. રાજ્ય સરકારે થોડાક દિવસ પહેલા જ સુરક્ષા કારણો આપીને અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને તરત જ કાશ્મીરથી પરત ફરવા માટેની સૂચના આપી દીધી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે સુરક્ષાના મુદ્દા ઉપર દોભાલ સાથે આજે વાત કરી હતી. આ બેઠકમાં દોભાલ ઉપર ગોબા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટા નિર્ણય પહેલા જ કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને ટોપ એલર્ટ ઉપર મુકી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સશસ્ત્ર દળોની નવી રજાઓ પણ રદ કરી દીધી છે. જે લોકોને રજા આપવામાં આવી હતી તેમને પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર મુકી દેવામાં આવ્યા છે. સંસદ સત્ર પૂર્ણ થયા બાદ અમિત શાહ ત્રણ દિવસ માટે કાશ્મીરના પ્રવાસ ઉપર જશે. સંસદ સત્ર સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. અમિત શાહ આઠ અને ૧૦મી ઓગસ્ટ વચ્ચે કાશ્મીરની મુલાકાત લઇ શકે છે.