નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના એક બસ સ્ટેન્ડ પર ગુરૂવારના દિવસે કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં આજે મોતનો આંકડો વધીને બે થયો હતો. ગુરૂવારના દિવસે બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા બાદ ૩૨થી વધારે લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત હજુ ગંભીર દર્શાવવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકો પૈકી એકનુ આજે મોત થયુ હતુ. બીજી બાજુ જમ્મુમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ઉંડી શોધખોળ ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકોની પુછપરછ પણ કરવામાં આવી ચુકી છે. તમામ શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.સાંપ્રદાયિક શાંતિના માહોલને બગાડવાના હેતુસર ગઇકાલે ગ્રેનેડ હુમલો હુમલો કરાયો હતો. બપોરના સમયમાં બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો હતો. વિસ્ફોટના લીધે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલી એક બસને વધારે નુકસાન થયું હતું.
ગયા વર્ષે ૨૯મી ડિસેમ્બરના દિવસે ત્રાસવાદીઓ બસ સ્ટેન્ડને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. તે વખતે ત્રાસવાદીઓ બસ સ્ટેન્ડ ઉપર ગ્રેનેડ ઝીંકીને ભાગી ગયા હતા. એ વખતે કોઇ નુકસાન થયું ન હતું. બસ સ્ટેન્ડની નજીક પોલીસ સ્ટેશન હોવા છતાં ત્રાસવાદીઓ વારંવાર હુમલામાં સફળ કેમ થઇ રહ્યા છે તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. હિઝબુલ મુઝાહિદ્દીન સાથે આ ગ્રેનેડ બ્લાસ્ટમાં કનેક્શન નિકળતા પોલીસ સાવધાન થઇ ગઇ છે. હંમેશા ભરચક રહેતા સામાન્ય બસ સ્ટેન્ડ ઉપર આ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો હતો. બોંબ યાસીર નામના શખ્સ દ્વારા ઝીંકવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
સીસીટીવી ફુટેજના આધાર પર તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગયા વર્ષે મે મહિના બાદથી જમ્મુ બસ સ્ટેન્ડ પર ત્રાસવાદીઓ દ્વારા ત્રીજા ગ્રેનેડ હુમલો છે. ઇજાગ્રસ્તો પૈકી ૧૧ લોકો કાશ્મીરના છે. બે બિહારના છે જ્યારે છત્તીસગઢ અને હરિયાણાના એક એક નાગરિકનો સમાવેશ થાય છે.