જમ્મુ કાશ્મીર : યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનનો ફરી ગોળીબાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શ્રીનગર : પાકિસ્તાને અંકુશરેખા અને  આંતરરાષ્ટ્રીય સરહદ પર પોતાની નાપાક હરકતો જારી રાખી છે. અંકુશરેખા પર તે સતત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરે છે. આજે બપોર બાદથી જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી અવરિત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ભારે ગોળીબારના લીધે સ્થિતિ તંગ બની ગઈ છે. તંગધાર અને કેરન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યા બાદ ભારતે જોરદાર જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના બે સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાની સૈનિકો દ્વારા સુંદરબનીમાં કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય જવાન નાયક કૃષ્ણલાલ શહીદ થયા છે.

નાયક કૃષ્ણલાલ જમ્મુ કાશ્મીરના અખનૂર વિસ્તારના ઘાઘરિયા ગામના નિવાસી હતા. ૩૪ વર્ષીય નાયક કૃષ્ણલાલ અંકુશરેખા ઉપર સુંદરબની સેક્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જ પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા કોઇપણ ઉશ્કેરણીવગર કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાકિસ્તાનના બે જવાનોના મોત થયા હતા. પાકિસ્તાન તરફથી ગોળીબાર દરમિયાન મોર્ટાર પણ ઝીંકવામાં આવ્યા હતા જેનો ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાને સતત ત્રણ દિવસથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે.

ભારતીય જવાનોની કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. મૃતકોનો આંકડો વધારે હોઈ શકે છે. રવિવારના દિવસે પાકિસ્તાની જવાનોએ પૂંચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં એક બાળકને ઇજા થઇ હતી. ત્યારબાદ આ બાળકનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શનિવારના દિવસે સવારે એક જવાન શહીદ થયો હતો. સવારમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને કુપવાડાના માછિલ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ક્રોસ બોર્ડર  ગોળીબારમાં ભારતીય સેનાના જવાન શહીદ થયો હતો. શહીદ થયેલા જવાનની ઓળખ ૫૭ આરએસના લાન્સ નાયક રાજેન્દ્ર સિંહ તરીકે થઇ હતી.

કુપવાડામાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.  આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચે વિસ્ફોટક સ્થિતી વચ્ચે આ હુમલાના જવાબમાં ભારતીય હવાઇ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી સ્થિતી તંગ બની ગઇ છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ વારંવાર સ્થિતીનો લાભ ઉઠાવીને હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જો કે સુરક્ષા જવાનોએ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જો કે ત્રાસવાદીઓ હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે.

Share This Article