જમ્મુ-કાશ્મીર CIDએ આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જમ્મુ-કાશ્મીર તંત્રે આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. સીઆઈડી રિપોર્ટના આધારે આતંકીઓનું ફન્ડિંગકરતા ૩૫૦ કોન્ટ્રેક્ટરનું કામ રોકી દેવાયું છે, જ્યારે તે પૈકીના ૪૦ કોન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરાયા છે. બ્લેક લિસ્ટ કરાયેલા કોન્ટ્રેક્ટરને હવે કોઈ જ સરકારી કામ નહીં અપાય. જમ્મુ-કાશ્મીર સીઆઈડીના રિપોર્ટ પ્રમાણે સરકારની વિવિધ યોજનામાં કામ કરતા કોન્ટ્રેક્ટરની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમની પર નજર રખાઈ હતી. એમાં માલૂમ પડ્યું હતું કે, સરકારી કોન્ટ્રેક્ટ મેળવીને અનેકને જંગી કમાણી થતી હતી. કેટલાક કોન્ટ્રેક્ટર અને તેમના સંબંધી તો આતંકીઓ સાથે સંબંધ પણ ધરાવતા હતા. ત્યાર પછી ઊંડી તપાસ કરાતા તેઓ ટેરર ફન્ડિંગ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. આતંકવાદ વિરુદ્ધ કડકાઈ દાખવીને આવા ૩૫૦ કોન્ટ્રાક્ટરનું કામ તાત્કાલિક બંધ કરી દેવાયું છે, જ્યારે ૬૫૦ની તપાસ ચાલુ છે.

હવે તેઓ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા પછી જ કામ કરી શકશે. તંત્રએ નવા કોન્ટ્રેક્ટરો માટે પણ સીઆઈડી અને પોલીસનું એનઓસી ફરજિયાત કરી દીધું છે. એનઓસી વિના નવા કોન્ટ્રાક્ટર પણ ટેન્ડરમાં સામેલ નહીં થઈ શકે. કેટલાક કોન્ટ્રેક્ટરે અદાલતના દ્વાર પણ ખટખટાવ્યા છે. અલગતાવાદીઓ સામે કાર્યવાહીને પગલે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે.

રાષ્ટ્રવિરોધી ગતિવિધિમાં સંડોવાયેલા આતંકીઓ અને ભાગલાવાદી સંગઠનોની કરોડો રૂપિયાના મૂલ્યની મિલકતો જપ્ત કરાઈ રહી છે. ગયા વર્ષે તંત્ર દ્વારા સૌથી મોટી કાર્યવાહીના રૂપમાં જમાત-એ-ઈસ્લામીની ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં આશરે ૩૦ મિલકત જપ્ત કરાઈ હતી. કોન્ટ્રેક્ટરોનું કામ રોકતા અને કેટલાકને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહીનો મહેબૂબા મુફ્તીના પક્ષ પીડીપી અને ઉમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સે વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આવી કાર્યવાહીથી કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કાશ્મીરીઓ માટે રોજીરોટીનું સંકટ સર્જાશે. આ અંગે કાશ્મીરના ભાજપે હજુ સુધી કોઈ નિવેદન નથી આપ્યું. દસ મહિના પહેલાં જમ્મુ કાશ્મીર તંત્રે અલગતાવાદી ગતિવિધિ કરતા અને વિદ્યાર્થીઓના મગજમાં ઝેર ઘોળનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. તે અંતર્ગત કાશ્મીર યુનિવર્સિટીના કેમિસ્ટ્રીના ચર્ચિત પ્રોફેસર અલ્તાફ હુસૈન અને એક સ્કૂલ શિક્ષક મોહમ્મદ મકબૂલ હાજમને આતંકવાદી વિચારોને પ્રોત્સાહન આપવા તેમજ દેશવિરોધી ગતિવિધિ કરવા બદલ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

પ્રો. અલ્તાફ પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલો હતો અને ૧૯૯૩માં આતંકી તાલીમ લેવા પાકિસ્તાનનો ગેરકાયદે કબજો ધરાવતા કાશ્મીરમાં ગયો હતો. આમ છતાં, તેને યુનિવર્સિટીમાં નોકરી મળી ગઈ હતી. હવે તંત્રે પ્રાથમિકતાના આધારે કાશ્મીરમાં વિવિધ શિક્ષણ સંસ્થાઓમાંથી અલગતાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે.ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીરમાં યુનિવર્સિટીના એવા શિક્ષકો સામે રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે અલગતાવાદને પ્રોત્સાહન આપે છે. તેમાંથી કેટલાકને હાંકી કઢાયા હતા. આ શિક્ષકોને ત્રણ શ્રેણીમાં વહેંચાયા છે. પહેલા- જેમને તાત્કાલિક હાંકી કાઢવાની જરૂર છે.

Share This Article