જમ્મુ કાશ્મીર : બસ ખીણમાં પડતા ૩૧ લોકોના મોત થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કિશ્તલાડ : જમ્મુ કાશ્મીરમાં એક મીની બસ ઉંડી ખીણમાં ખાબકી જતા ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે દુર્ઘટનાગ્રસ્ત બસ કેશષવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી. વચ્ચે આ બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જમ્મુના આઇજીપી એમકે સિંહાએ કહ્યુ છે કે આ ભીષણ દુર્ઘટનામાં હજુ સુધી ૩૧ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે.સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની સહાયથી બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી.

આ પહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે મોતનો આંકડો હજુ વધી શકે છે. આજે વહેલી સવારે સાઢા છ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા હાલમાં ૧૩ દર્શાવવામાં આવી રહી છે. મોતના આંકડા અંગે વિરોધાભાસી હેવાલ મળી રહ્યા છે. ઘાયલ થયેલા તમામ યાત્રીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બની ગયા બાદ મીની બસમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી કરી શકાઇ નથી.મીની બસ સંખ્યા જેકે૧૭-૬૭૮૭ કેશવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. શ્રીગીરી પાસે માર્ગથી લપસીને બસ ખીણમાં પડી હતી. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે બસ ઓવરલોડ થયેલી હતી. જમ્મુ કાશ્મીરમાં હાલમાં કેટલીક માર્ગ દુર્ઘટના થઇ છે. હાલમાં જ કેટલીક દુર્ઘટના થયા બાદ લોકો દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે.

Share This Article