નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં જોરદાર રાજકીય હલચલ વચ્ચે આજે સવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. રાજ્યને લઇને કોઇ મોટા નિર્ણયની વચ્ચે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. જમ્મુ જિલ્લાના અધિકારી સુષ્મા ચૌહાણે કહ્યુ હતુ કે પાંચમી ઓગષ્ટના દિવસે સવારે છ વાગ્યાથી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ કલમ અમલી રહેશે. કલમ ૧૪૪ અમલી કરવાનો અર્થ એ થયો કે હવે જમ્મુકાશ્મીરમાં કોઇ પણ જગ્યાએ ચાર કરતા વધારે વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહીં. જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ગાળા દરમિયાન કોઇ પણ રેલી, ધાર્મિક કાર્યક્રમની મંજુરી આપવામાં આવનાર નથી.
તમામ સ્કુલ અને કોલેજને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બુધવારના દિવસે યોજાતી બેઠક આજે સવારે થઇ હતી. સવારે ૯-૩૦ વાગે આ બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારના દિવસે એનએસએ અજિત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા, આઇબી ચીફ અરવિન્દ કુમારઅને રો વડા સમંત ગોયલની સાથે બેઠક યોજી હતી. સાથે સાથે ગૃહ મંત્રાલયમાં કાશ્મીર મામલાના વધારાના સચિવ જ્ઞાનેશ કુમાર સાથે પણ બેઠક કરી હતી.
આ તમામ બેઠક બાદ અટકળો ચાલી રહી છે. ત્રાસવાદી હુમલાના ભય વચ્ચે અમરનાથ યાત્રીઓને પરત ફરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. કાશ્મીરના કેટલાક વિસ્તારમાં સંચારબંધી પણ લાગુ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ખુબ જટિલ થયેલી છે. કોંગ્રેસી નેતાઓના આરોપો છે કે હાલમાં જમ્મુ કાશ્મીરમાં યુદ્ધજેવી સ્થિતી પ્રવર્તી રહી છે. કાશ્મીરમાં તમામ લોકોમાં ભારે અટકળો ચાલી રહી છે.