શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનો દોર જારી રહ્યો છે. સુરક્ષા દળોને આજે વધુ મોટી સફળતા મળી હતી. છેલ્લા ૨૪ કલાકમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કરે તોઇબાના હોવાનું જાણવા મળ્યું છે. દક્ષિણ કાશ્મીર જિલ્લાના કેલ્લાર વિસ્તારમાં અથડામમ થઇ હતી. આજે સવારે આ અથડામણ પૂર્ણ થઇ હતી. સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકીના ત્રણ ાતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં સજ્જાદ ખાંડે, અકીબ અહેમદ અને બસરત અહેમદનો સમાવેશ થાય છે.
આ ત્રણેય પુલવામાના નિવાસી હતી. આ ત્રાસવાદીઓ સુરક્ષા દળો અને નાગરિકો ઉપર હુમલા સહિત અનેક હુમલામાં સામેલ હતા. અહેમદ મીર અનેક હુમલા અને ગુનાઓમાં સામેલ રહ્યો છે. તમામ પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા છે. એક અથડામણ સોપિયનમાં અને બીજી અથડામણ કુંપવારામાં હેન્ડવારામાં થઇ હતી. જમ્મુ કાશ્મીરમાં શોપિયનમાં ભીષણ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર મારી દેવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે ક્ષણ ત્રાસવાદી સહિત છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કાશ્મીરના જુદા જુદા ભાગોમાં હજુ પણ મોટી સંખ્યામાં ત્રાસવાઓ ઠાર થયેલા છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ ૫૦થી વધારે કુખ્યાત ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હજુ પણ જારી છે.
અગાઉના વર્ષોની તુલનામાં આ વર્ષે ત્રાસવાદીઓ સામે વધારે આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ સામે લડાઇ વધારે તીવ્ર બનાવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં ૨૬૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામે અભૂતપૂર્વ સફળતા હાંસલ થઇ રહી છે. એકપછી એક ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. તેમની કમર તુટી ગઇ છે. સત્તાવાર આંકડા મુજબ ૧૭૦થી વધુ ત્રાસવાદીઓનો ખાતમો વર્ષ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો .જ્યારે ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. જુલાઈ ૨૦૧૭માં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ આંકડો પહેલી સપ્ટેમ્બર સુધીનો દર્શાવવામાં આવ્યો હતો. એનડીએના શાસન દરમિયાન મોતનો આંકડો સતત વધ્યો છે.