જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પંચાયતી ચૂંટણીને પ્રભાવિત કરવા અને લોકોમાં દહેશત ફેલાવવા માટે સતત ઘડી રહ્યા છે. આ નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના સતત કામ કરી રહી છે. અખનુર સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોએ એક ખૂંખાર ત્રાસવાદીને ઠાર મારીને સફળતા મેળવી છે. બીજી બાજુ કૂંપવારામાં બીજા બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ ત્રાસવાદ ઉપર ડબલ એટેક કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ત્રાસવાદીઓ સરહદ પારથી ઘુસણખોરીના પ્રયાસમાં છે.
બીજી બાજુ પાકિસ્તાનના જવાનો ત્રાસવાદીઓને ઘુસાડવા માટે સતત ગોળીબાર કરી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે મેંઢર વિસ્તારમાં ગોળીબાર કરાયો હતો. ત્રાસવાદીઓ સામે હાલમાં એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. કારણ કે ત્રાસવાદીઓ હવે કોઇ પણ કિંમતે તેમની હાજરી પુરવા કરવા માટે હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓ બહાર નિકળી રહ્યા છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. જા કે સ્થાનિક કેટલાક કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના કારણે ત્રાસવાદીઓ તેમની વચ્ચે છુપાઇ જઇને કેટલાક હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે.પથ્થરબાજા તેમને બચાવી રહ્યા છે.
જા કે તેમની સામે પણ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓનો સફાયો થઇ ચુક્યો છે. ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. તેમના મુખ્ય લીડરો ફુંકાઇ ચુક્યા છે. હજુ તેમની સામે કઠોર કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંકુશ રેખા પાર કરીને ૧૬૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. હિંસા અને હુમલાની સ્થિતીને ધ્યાનમાં લઇને હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલઓસી નજીકના વિસ્તારોમાં સેનાના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નગોટા સ્થિત વ્હાઇટ નાઇટ કોરના જર્નલ કમાન્ડિંગ ઓફિસરનો હોદ્દો સંભાળી રહેલા લેફ્ટી જનરલ પરમજીતસિંહે કહ્યું છે કે, સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધિ એજ વખતે રોકાશે જ્યારે પાકિસ્તાન પોતાની નીતિને વધુ સ્પષ્ટ કરશે. પાકિસ્તાનના કબજાવાળા પોકમાં ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પાકિસ્તાની સરકાર તરફથી ઉદાસીન વલણ રખાયું છે.