શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લામાં શુક્રવારના દિવસે સવારે ત્રણ એસપીઓ સહિત ચાર પોલીસ કર્મચારીઓનુ અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. અપહરણ કરવામાં આવેલા જવાનો પૈકી ત્રણની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આના કારણે હવે મોદી સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ હત્યાના બનાવ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેમને શોધી કાઢવા માટે વ્યાપક શોધખોળ ચાલી રહી હતી. આખરે દહેશત મુજબ ખરાબ સમાચાર મળ્યા હતા.
સુત્રોના કહેવા મુજબ સ્થાનિક ત્રાસવાદીઓએ આ પોલીસ જવાનોનુ અપહરણ કરી લીધુ હતુ. જેમાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર સામેલ હતા. બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. જ્યાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સુરક્ષા જવાનોનુ અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાનો સિલસિલો જારી રહેતા દેશભરમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે.જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. મંગળવારના દિવસે પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ નજીક આઈબી પર બીએસએફના એક જવાનની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં કોહરામની સ્થિતિ મચી ગઈ છે.
આ બર્બર ઘટના મંગળવારના દિવસે રામગઢ સેક્ટરમાં થઇ હતી. આ ઘટના બન્યા બાદ સુરક્ષા દળોએ ૯૨ કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટર લાંબી અંકુશરેખા પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન મળી આવ્યા છે. ત્યારબાદ તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સ્થાનિક ત્રાસાદીઓ સુરક્ષા દળો સામે નવા નવા પડકારો ઉભા કરી રહ્યા છે. જેથી તંગદીલી છે. અપહરણ કરાયેલા જવાનોની હત્યાથી વ્યાપક રોષ છે.