જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક હરકત કરવામાં આવી રહી છે. જેમાં ત્રાસવાદી હુમલાને વધારી દેવાના પ્રયાસ, સરહદ પર ગોળીબાર અને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અંગે ખોટી અફવા ફેલાવવાની બાબતનો સમાવેશ થાય છે. આ તમામ ગતિવિધી પર ભારતની નજર રહેલી છે. તેની ગતિવિધી કોઇ કિંમતે સફળ ન થાય તેવા પ્રયાસો પણ થઇ રહ્યા છે છતાં તેના પર નજર રાખવાની ચોક્કસપણે જરૂર દેખાઇ રહી છે. તેના દેશમાં છુપાયેલા ત્રાસવાદીઓના આકાઓ અને અપરાધીઓ સામે કાર્યવાહી કરીને દાખલા બેસાડવાના બદલે કાશ્મીર મામલે પાકિસ્તાન હાલમાં સતત રડી રહ્યુ છે. જોકે ભારતની સામે તેને કોઇ સફળતા મળે તેમ નથી. ત્રાસવાદના મુદ્દે ભારત સહિતના દેશો સતત ફટકાર લગાવતા રહે છે પરંતુ તેની નાપાક હરકતો જારી રહે છે.
હાલમાં પાકિસ્તાનનુ હેલિકોપ્ટર ભારતીય હવાઇ સીમામાં પ્રવેશી ગયુ હતુ. તેના દુસાહસના બદલે જો આ હેલિકોપ્ટરને ફુંકી મારવામાં આવ્યુ હોત તો સ્થિતી બનંને દેશો વચ્ચે કેટલી વિસ્ફોટક બની ગઇ હોત તેની કલ્પના કરી શકાય છે. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ કોઇ પણ ભય વગર રહે છે. તેમની સામે કોઇ પણ પ્રકારની તવાઇ નથી. કેટલાક ટોપ ત્રાસવાદીઓને તો સુરક્ષા પણ આપવામાં આવી છે. કુખ્યાત ત્રાસવાદીઓ જાહેર કાર્યક્રમમાં પણ નજરે પડી શકે છે. આવી સ્થિતીમાં પાકિસ્તાન બિલકુલ બિન અસરકારક દેશ તરીકે છે તે બાબત ફરી સાબિત થઇ છે. ત્રાસવાદીઓની મોટી હુમલામાં સંડોવણીના તમામ પુરાવા હોવા છતાં પાકિસ્તાન દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. ત્રાસવાદને લઇને પાકિસ્તાનને ધમકી આપતા આપતા અમેરિકા પોતે થાકી ગયુ છે પરંતુ પાકિસ્તાન પર તેની કોઈ પણ અસર દેખાતી નથી.
અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે તમામ પ્રયોગ અને પોતાની પાસેના તમામ વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે પરંતુ તેના પર કોઇ અસર દેખાતી નથી. પાકિસ્તાનમાં હાફિઝ સઇદ સહિતના ખતરનાક ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે પરંતુ પાકિસ્તાન કોઇ પગલા લેવાની હિમ્મત કરી શકતુ નથી. ભારતમાં ઉરી ત્રાસવાદી હુમલા, અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા, સેનાના કેમ્પ પર વારંવાર હુમલા, પઠાણકોટ, સીઆરપીએફના કાફલામાં ભીષણ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાન સ્થિત સંગઠનની સંડોવણી ખુલ્યા બાદ અમેરિકાએ અનેક વખત પાકિસ્તાનને કઠોર કાર્યવાહી કરવા સુચના આપી છે પરંતુ તેના પર હજુ કોઇ અસર દેખાઇ રહી નથી. અમેરિકી રિપોર્ટમાં આ જ બાબત સપાટી પર આવે છે જેમાં જાણી શકાય છે કે આતંકવાદની સામે પાકિસ્તાન દેખાવા પૂરતી લડાઈ લડી રહ્યુ છે. એટલે કે એવા જ આતંકવાદી સંગઠનોની સામે કાર્યવાહી કરી રહ્યુ છે જે તેના માટે ખતરા સમાન બની ગયા છે. લશ્કરે તોયબા જેવા સંગઠનોની સામે કાર્યવાહી તો દૂરની રહી પરંતુ તે તેમને મદદ પણ કરી રહ્યુ છે. પાકિસ્તાનની હરકત પર બ્રેક મુકવા માટે દુનિયાના દેશો સાથે આવે તે જરૂરી છે.