શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પોલીસ વડા એસપી વૈદને ગુરૂવારે મોડી રાત્રે તેમના પદથી દુર કરી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ પોલીસ મહાનિર્દેશક (જેલ) દિલબાદસિંહને રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. એક સત્તાવાર આદેશમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા આદેશ જારી કરીને આ મુજબની વાત કરી છે. વર્ષ ૧૯૮૬ની બેચના આઇપીએસ અધિકારી વૈદની બદલી અન્ય હોદ્દા પર કરવામાં આવી છે. આદેશમાં લખવામાં આવ્યુ છે કે એક સ્થાયી વ્યવસ્થા થાય ત્યાં સુધી વર્ષ ૧૯૮૭ની બેચના અધિકારી દિલબાગ સિંહ આ હોદ્દાની જવાબદારી સંભાળશે.
વર્ષ ૧૯૮૬ની બેંચના જમ્મુ કાશ્મીર કેડરના આઇપીએસ વેદને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલના વિશ્વાસી સાથી તરીકે ગણવામાં આવે છે. તેમને ઓપરેશન ઓલઆઉટ સહિત અનેક ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યા છે. વૈદ જમ્મુ કાશ્મીરના કથુઆ વિસ્તારના છે. પોતાના સાહસના કારણે તેમને વીરતા પુરસ્કાર પણ મળી ચુક્યા છે.
રાજ્યના સૌથી ખતરનાક વિસ્તારમાં તેમની પોસ્ટિંગ રહી છે. હાલના દિવસોમાં પોલીસ કર્મચારીઓના અપહરણની ઘટના વધી છે. આવી સ્થિતીમાં તેમની ટિકા ટિપ્પણી થઇ રહી હતી. જમ્મુ કાશ્મીરમાં હાલમાં રાજ્યપાલ શાસન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટના દિવસે તેમના ભાષણમાં રાજ્યમાં પંચાયત ચૂંટણી વહેલી તકે યોજવાની વાત કરી હતી. કેન્દ્ર દ્વારા રાજ્યમાં રણનિતી બદલવામાં આવી રહી છે.