જમ્મુ અને કાશ્મીરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે અને આગામી એક મહિનામાં મતદાર સૂચિનું કામ પૂરું થવાની શક્યતા છે. આ બધા વચ્ચે જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ વોટર રજિસ્ટ્રેશન માટે નવો આદેશ બહાર પાડ્યો છે અને તમામ તહસીલદારોને નવા વોટર્સના રજિસ્ટ્રેશન અંગે આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ પોતાના આદેશમાં તમામ તહસીલદારોને કહ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી જમ્મુ જિલ્લામાં રહેતા લોકોને મતદાર તરીકે રજિસ્ટ્રેશન માટે વેરિફાય કરવા. આ આદેશ મુજબ એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકો નવા વોટર તરીકે રજિસ્ટર કરાશે અને જો કોઈ બહારની વ્યક્તિ પણ એક વર્ષથી વધુ સમય સુધી જમ્મુમાં રહેતો હોય તો તેને મતદારનો અધિકાર મળી શકે છે.
ચૂંટણી પંચ દ્વારા બહાર પડાયેલા દિશા નિર્દેશ મુજબ એક વર્ષ માટે પાણી/ વીજળી/ ગેસ કનેક્શન/ આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત/ અનુસૂચિત બેંક/ પોસ્ટ ઓફિસની હાલની પાસબુક, ભારતીય પાસપોર્ટ, રાજસ્વ વિભાગનું કિસાન વહીખાતું સહિત ભૂમિ સ્વામિત્વ રેકોર્ડ, રજિસ્ટર્ડ રેન્ટ/લીઝ ડીડ ( ભાડુઆત મામલે) અને પોતાના ઘરના કેસમાં રજિસ્ટર્ડ સેલ ડીડનો ઉપયોગ કરીને કોઈ પણ વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જમ્મુમાં પણ તેમાંથી કોઈ પણ દસ્તાવેજ રહેઠાણના પ્રમાણ તરીકે સ્વીકાર થઈ શકે છે. બીજી બાજુ ડેપ્યુટી કમિશનર અવની લવાસાના આદેશનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. નેશનલ કોન્ફરન્સે વિરોધ નોંધાવતા કહ્યું કે મોદી સરકાર ૨૫ લાખ બિનસ્થાનિક લોકોને વોટર લિસ્ટનો ભાગ બનાવવાની છે અને તે માટે જ કવાયત થઈ રહી છે.