નવી દિલ્હી : સરહદ ઉપર અને જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોની ભારતે તૈયારી કર્યા બાદ હવે પાકિસ્તાન પણ ફફડી ઉઠ્યું છે અને આના સંકેત પણ મળવા લાગી ગયા છે. પુલવામા હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ભયથી ફફડી ઉઠેલા પાકિસ્તાને જૈશના લીડર મસૂદ અઝહરની સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે બહાવલપુરમાં પ્રતિબંધિત સંગઠન જૈશે મોહંમદના હેડક્વાટર્સને પંજાબ સરકાર પોતાના સકંજામાં લઈ ચુકી છે. એમ માનવામાં આવે છે કે જૈશે મોહંમદનો લીડર પણ અહીં જ રોકાયેલો છે.
ભારતના એકશનના ભયથી સુરક્ષા વધારી દેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ જૈશનો ઉલ્લેખ કરીને કાર્યવાહીનો સંકેત પાકિસ્તાનને આપ્યો છે. લાહોરથી બહાવલપુર ૪૦૦ કિલોમીટરના અંતરે છે. ભારત દ્વારા એક પછી એક પગલાં લેવાતા પાકિસ્તાન પણ સાવચેતીરૂપે ઘણા પગલા લઈ રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં પાકિસ્તાને ભારતના ભયથી એક પછી એક પગલાં લીધા છે. જેમાં રાત્રિ ગાળામાં લાઈટનો ઉપયોગ ન કરવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે જેશ લીડર મસુદ અઝહર પણ અહીં જ છુપાયેલો છે. ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા ભયના કારણે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એક દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પુલવામાં હુમલાની નિંદા કરીને જેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતીમાં આંતરરાષ્ટ્રીય દબાણ પણ એક કારણ તરીકે છે. પાકિસ્તાની સરકારે કેમ્પસને પોતાના અંકુશમાં લઇને સુરક્ષા વધારી દીધી છે. જેશના આ કેમ્પસમાં ૭૦ ટીચરો અને ૬૦૦ વિદ્યાર્થીઓ હોવાના હેવાલ મળી રહ્યા છે. પોકમાં રહેતા લોકો માટે પણ કેટલીક ચેતવણી જારી કરવામાં આવી છે. તમામ લોકો જાણે છે કે ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પોકમાં ઘુસીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ત્રાસવાદીઓના અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા હતા. જેમાં અનેક ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હવે પાકિસ્તાનને ફરી આવો ભય સતાવી રહ્યો છે. પાકિસ્તાને ક્યારેય ભારતના સર્જિકલ હુમલાની વાત કબુલી ન હતી.