આયુષે નવમું ધોરણ પાસ કર્યુ અને દસમા ધોરણમાં પ્રવેશ કર્યો, આયુષના પિતા વિજયભાઇને સામાન્ય પગાર વાળી નોકરી અને માતા સારિકાબેન ભણેલા પરંતુ એક ગૃહિણી. આયુષ તેમનું એકનુ એક સંતાન એટલે તેની દરેક ઇચ્છા વિજયભાઇ અને સારિકાબેન પુરી કરતા હતા, બાળકનું દસમા ધોરણમાં આવવુ એટલે સાથે તે બંનેની પરીક્ષા હોય તેવો માહોલ ઘરમાં સર્જાયો. નવમા ઘોરણના વેકેશનમાં જ દસમા ધોરણના ટ્યુશન ચાલુ થઇ ગયા, વિજયભાઇ અને તેમની પત્ની દિકરા આયુષને બધુ જ બેસ્ટ આપવા માગતા હતા એટલે સૌથી મોંઘા ટ્યૂશન ક્લાસિસમાં તેનુ એડમિશન કરાવી દીધું.
આયુષ આમ તો ડાહ્યો પરંતુ ખૂબ જીદ્દી, ઘરનું જમવાનુ તેને ભાવે નહીં અને રોજ બહાર જમવા માટે તે ઘરેથી પૈસા લઇને જાય અને થોડા થોડા સમયે બીમાર પડે. આયુષના માતા-પિતા પણ તેને જોઇને ચિંતિત હતા કે દિકરો બહારનું ખાવાનું બંધ નહી કરે તો દસમા ધોરણની પરીક્ષા પર અસર પડશે. આયુષ રોજ સાઇકલ લઇને ટ્યુશન જાય અને તે મોંઘા ટ્યૂશન ક્લાસિસમાં બધા જ બાળકો ટુવ્હિલર લઇને આવે, અથવા તેમના પેરેન્ટ્સ મોંઘીદાટ ગાડીઓમાં મુકવા આવે, આ જોઇને આયુષને ખરાબ લાગતુ. તેને થતુ કે મારી પાસે પણ જો સાધન હોય તો કેટલુ સારુ, સાઇકલ લઇને જવામાં તેને હવે શરમ આવવા માંડી હતી. ટ્યૂશન ક્લાસમાં જાય નહી, અને તેણે એક્ટિવા લઇ આપવાની પિતા વિજયભાઇ પાસે જીદ કરી, વિજયભાઇ તેને એક્ટિવા લઇ આપવા તૈયાર થયા પરંતુ તે પહેલા જ સારિકા બહેનને હ્યદય રોગનો હુમલો આવી ગયો, તેમના ઓપરેશન પાછળ વિજયભાઇના ઘણા રૂપિયા ખર્ચાઇ ગયા.
સામાન્ય નોકરીમાંથી કરેલી બચત તો પત્નીના ઓપરેશનમાં ખર્ચાઇ ગઇ હવે દિકરાના એક્ટિવાનું શું? વિજયભાઇએ આયુષને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ આયુષને માતાની બીમારી પાછળ ખર્ચાયેલા રૂપિયાનો હિસાબ ક્યાંથી હોય..? તેણે તો જીદ પકડી રાખી હતી કે તેને કોઇ પણ હિસાબે એક્ટિવા જોઇએ જ. સારિકા બહેનને થોડુ સારુ થતા તેમણે વિજયભાઇને કહ્યુ કે તે બાજુવાળા ભાર્ગવીબહેનના ત્યાં રસોઇ કરવા જશે, તેમાંથી જે રૂપિયા આવશે તેમાંથી એક્ટિવાનો હપ્તો ભરી દેશે. વિજયભાઇ આ સંભળીને અકળાયા અને કહ્યું કે હજી તો તું સાજી પણ નથી થઇ અને તારે કામ કરવા જવાની કોઇ જ જરૂર નથી હું કંઇક કરીશ. દિકરાની જીદને વશ થઇને ઘરની કપરી પરિસ્થિતિ હોવા છત્તા વિજયભાઇ તેમના ઓફિસમાં કામ કરતા રમણભાઇનું સેકેન્ડ હેન્ડ એક્ટિવા આયુષ માટે ખરીદીને લઇ આવ્યા. દિકરો એક્ટિવા જોઇને ખુબ ખુશ થયો પરંતુ રમણભાઇના એક્ટિવા પર તેમના દિકરાનું નામ લખાવેલુ હતુ જૈનીલ..
આ જોઇને આયુષને થયુ કે તે આ નામને એક્ટિવા ઉપરથી હટાવી દે પરંતુ તેને હટાવવા જાય તો એક્ટિવાનો કલર પણ ઉખડી જાય તેમ હતો એટલે તેણે જૈનીલનું નામ રહેવા દીધું.
આયુષ એક્ટિવા લઇને ટ્યૂશન જવા લાગ્યો, તે ઘણો જ ખુશ હતો પરંતુ તેના મિત્રો તેને જૈનીલના નામથી ચિડવવા લાગ્યા, તેના મિત્રો તેને જૈનિલ કહીને જ સંબોધવા લાગ્યા, આયુષના ઘરે આવનાર મિત્રો પણ બહારથી જૈનિલ જૈનિલની બૂમ પાડવા લાગ્યા. આ બધુ જોઇને આયુષને ગુસ્સો આવ્યો અને તે વિજયભાઇ પર ગુસ્સે થઇ ગયો, તેણે કહ્યુ કે તમે મને એક નવું એક્ટિવા નથી અપાવી શકતા.. આ સેકન્ડ હેન્ડ એક્ટિવા લઇ આપ્યુ મને સમજાવવા માટે.. બધા મને જૈનિલ જૈનિલ કહીને ચિડવે છે.. બધા મારી મજાક ઉડાવે છે, બધાની વચ્ચે મારે શરમથી જુકી જવું પડે છે, લો આ તમારા જૈનિલના એક્ટિવાની ચાવી મારે નથી જોઇતી, જેનું છે તેને પાછુ આપી આવો અને મને નવું એક્ટિવા લઇ આપો.
આટલુ કહીને આયુષ ઘરની બહાર નીકળી જાય છે. વિજયભાઇ આંખમા આંસુ સાથે એક્ટિવાની ચાવી ઉઠાવી લે છે અને મનમાં વિચારે છે, મારુ સ્કુટર વેચીને તેના પૈસાથી દિકરા માટે આ એક્ટિવા લાવ્યો તેની કોઇ કિંમત જ નથી? શું મારા સંસ્કારોમાં કોઇ ખામી છે કે વધારે પડતો પ્રેમ આજે મારા સામે બગાવત કરી રહ્યો છે.. દિકરાને જે જોઇએ તે લાવી આપ્યુ કદાચ એટલે જ આ દિવસ સામે આવીને ઉભો રહ્યો છે. સંતાનને કોઇ પણ વસ્તુ કે પૈસાની કદર કરાવવી જ પડે નહીતર માતા-પિતાની પરિસ્થિતિનો ખ્યાલ ક્યારેય ના આવે, વિજયભાઇ બહાર નિકળ્યા અને ઘરની સામે જોયુ તો ત્યાં સ્કુટરની જગ્યાએ પડ્યુ હતું “જૈનીલનું એક્ટિવા”.